એક્સિઓસના અહેવાલ મુજબ, અમેરિકી વિદેશ વિભાગે સોમવારે ન્યૂયોર્ક સ્થિત ઈરાની મિશનને નિર્દેશ આપ્યો હતો કે UN મહાસભામાં સામેલ થવા આવેલા તેમના પ્રતિનિધિમંડળના તમામ સભ્યો અમેરિકાથી રવાના થઈ જાય.
મોટાભાગના પ્રતિનિધિઓ ચાલ્યા ગયા, પરંતુ બે રાજદ્વારીઓ ન્યૂયોર્કમાં જ રોકાયા રહ્યા. શુક્રવારે અમેરિકી અધિકારીઓએ ઈરાની મિશનને જણાવ્યું કે તેમના બંનેના હજુ પણ ન્યૂયોર્કમાં હાજર હોવાની જાણકારી છે.
ત્યાર પછી ઈરાનને ફરીથી સંદેશ મોકલીને બંને રાજદ્વારીઓને તાત્કાલિક અમેરિકા છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ એક રાજદ્વારી શુક્રવારે રાત્રે અને બીજો શનિવારે સવારે ન્યૂયોર્કથી રવાના થઈ ગયો.
અમેરિકા સાથેના યુદ્ધ છતાં ન્યૂયોર્ક ગયા હતા ઈરાની રાષ્ટ્રપતિ
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ છતાં ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન UN મહાસભામાં સામેલ થવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. 23 સપ્ટેમ્બરે અહીં તેમણે દુનિયા સમક્ષ ઈરાનનું વલણ રજૂ કર્યું હતું અને અમેરિકા-ઇઝરાયેલ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. પેઝેશ્કિયાન પોતાના ભાષણમાં યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોની તસવીરો પણ સાથે લઈને પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે ઈરાને છેલ્લા 200 વર્ષમાં કોઈ દેશ પર હુમલો નથી કર્યો, પરંતુ તેમનો દેશ પોતે આતંકવાદ અને હુમલાઓનો શિકાર રહ્યો છે. તેમણે અમેરિકા અને ઇઝરાયેલ પર ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો.
પેઝેશ્કિયાને એ પણ સ્પષ્ટ કર્યું કે ઇરાન પરમાણુ હથિયાર રાખવાની ઇચ્છા નથી ધરાવતું પરંતુ શાંતિપૂર્ણ પરમાણુ તકનીકના ઉપયોગનો અધિકાર નહીં છોડે. આ ઉપરાંત પશ્ચિમી દેશો પર બેવડા વલણ અને ઇરાન પર લગાવેલા પ્રતિબંધોને લઇને પણ સવાલ ઉઠાવ્યા.