Tue Oct 06 2026

Logo

ઝબાન સંભાલ કે : ગાંધીજીની ભાષા - ભાષામાં ગાંધીજી

2026-10-04 09:15:24
Author: Henry Shastri
ઝબાન સંભાલ કે : ગાંધીજીની ભાષા - ભાષામાં ગાંધીજી

હેન્રી શાસ્ત્રી

હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી: ગાંધીજી.

જેમની ઉજ્જવળ પ્રવૃત્તિથી ભાષાનું તેજ પ્રગટ્યું છે અને જેમની પ્રેરણાથી આ કોશ તૈયાર થયો છે એ પૂજ્ય ગાંધીજીના ચરણે આ કોષ અર્પણ કરીએ છીએ: સાર્થ જોડણીકોશ. 

ગુજરાતી શબ્દોની સાચી જોડણી વિશે ગુજરાતમાં ઘણા વખતથી ચર્ચા ચાલતા ભાષાના અભ્યાસમાં પડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી ગુજરાત વિદ્યાપીઠે સામાન્ય રીતે સ્વીકારાયેલા અમુક સિદ્ધાંતોને આધારે ‘સાર્થ જોડણીકોશ’ પ્રગટ કર્યો હતો. આ કોશના મુખપૃષ્ઠ ઉપર જોડણી અંગેના અધિકારનું ગાંધીજીનું ઉપરોક્ત વિધાન મૂકવામાં આવ્યું હતું, આ સાર્થ જોડણીકોશ ઉઘડતા પહેલા પાનાં પર આ કોશ ગાંધીજીને અર્પણ કરવામાં આવ્યો હતો. વિદેશમાં ભણતર છતાં ગાંધીજીની માતૃભાષા પર મજબૂત પકડ હતી. કોઈપણ જાતના ઠઠેરા કે ભારેખમ શબ્દો વિનાની એમની ભાષા સરળ અને સ્પષ્ટ હતી અને દરેકને સમજાઈ પણ જતી. ગાંધીજી વિસરાઈ રહ્યા છે, એમને વિસારે પાડવાની કોશિશ થાય છે, પણ ગાંધી વિચાર તેમ જ ભાષામાં એમની હાજરી અવિનાશી છે. શુક્રવારે ગાંધી જયંતી હતી એ નિમિત્તે ગાંધીજીની ભાષા અને ભાષામાં ગાંધીજીને જાણીએ.

ગાંધીજીના જીવન સાથે જોડાયેલી અનેક પ્રેરણાદાયી ઘટનાઓ છે જે કોઈને કોઈ ગુજરાતી કહેવત કે રૂઢિપ્રયોગને સાર્થક કરે છે. ‘જીવતે જીવ જગતિયું’ (વચન પ્રમાણે આચરણ) આવી જ એક સુંદર અને પ્રેરણાદાયી વાર્તા છે. એક માતા નાના દીકરાને લઈને ગાંધીજી પાસે આવી. દીકરો ખૂબ જ ગોળ ખાવાની કુટેવ હોવાથી તેના દાંત બગડી રહ્યા હતા અને તબિયત પણ ખરાબ થતી હતી. અનેક સમજાવટ પછી પણ દીકરો માનતો નહોતો. દીકરાને ગાંધી બાપુ માટે ખૂબ આદર હોવાથી માતાને આશા હતી કે બાપુ કહેશે તો દીકરો માની જશે. માતાએ વિનંતી કરી, ‘બાપુ, મારો દીકરો ગોળ ખાવામાં અતિરેક કરે છે. તમે એને શિખામણ આપો કે ગોળ ખાવાનું બંધ કરે.’ ગાંધીજીએ થોડીવાર વિચાર કરી કહ્યું, ‘દીકરાને લઈને એક અઠવાડિયા પછી મારી પાસે આવો, ત્યારે હું એને કહીશ.’ માતાને આશ્ર્ચર્ય થયું કે આટલી નાની વાત માટે બાપુએ એક અઠવાડિયાનો સમય કેમ માગ્યો? પણ બોલ્યા વગર પાછા ચાલ્યા ગયા. 

એક અઠવાડિયા પછી માતા ફરીથી દીકરાને લઈને ગાંધીજી પાસે આવી. ગાંધીજીએ દીકરાને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને વહાલથી સમજાવી કહ્યું કે ‘બેટા, વધારે ગોળ ન ખવાય, એનાથી તબિયત બગડે. આજથી તું ગોળ ખાવાનું બંધ કરી દે.’ દીકરાએ તરત જ માથું હલાવીને હા પાડી અને બાપુને વચન આપ્યું કે તે હવેથી ગોળ નહીં ખાય. આ જોઈ માતાએ આશ્ર્ચર્ય સાથે ગાંધીજીને પૂછ્યું, ‘હે બાપુ, આટલી અમથી શિખામણ તો તમે ગયા અઠવાડિયે પણ આપી શક્યા હોત. મને એક અઠવાડિયા પછી કેમ બોલાવી?’ બાપુએ હસીને કહ્યું, ‘બહેન, ગયા અઠવાડિયે જ્યારે તમે આવ્યા ત્યારે હું પોતે પણ ખૂબ ગોળ ખાતો હતો. જે વસ્તુ હું પોતે કરતો હોઉં, તે બંધ કરવાની શિખામણ હું બીજાને કઈ રીતે આપી શકું? આ એક અઠવાડિયામાં મેં પોતે ગોળ ખાવાનું સંપૂર્ણપણે બંધ કર્યું અને જ્યારે મને ખાતરી થઈ કે હું આ કરી શકું છું ત્યારે જ મેં તમારા દીકરાને શિખામણ આપી.’ આ કહેવત કથાનો સાર એ છે કે ઉપદેશ આપવો સહેલો છે, પણ તેનો અમલ કરવો અઘરો છે. આપણે પોતે આચરણમાં ન મૂકીએ, ત્યાં સુધી આપણી શિખામણની બીજા પર કોઈ અસર થતી નથી.

ભાષા  વૈભવ 

ગાંધીજી સંબંધિત શબ્દો

સ્પષ્ટવક્તા ગાંધીજીએ કેટલાક શબ્દો પ્રચલિત કર્યા / નવા ઘડ્યા હતા. સત્યાગ્રહ એટલે સત્યનો આગ્રહ રાખવો. દક્ષિણ આફ્રિકામાં અશ્વેતો અને ભારતીયો પર થતા અત્યાચાર સામે અહિંસક લડત આપવા માટે ગાંધીજીએ આ શબ્દની રચના કરી હતી. ભત્રીજા મગનલાલ ગાંધીએ (ગાંધીજીના પિતરાઈ ભાઈ ખુશાલચંદ ગાંધીના પુત્ર) સૂચવેલા સદાગ્રહ શબ્દને સુધારી ગાંધીજીએ ‘સત્યાગ્રહ’ શબ્દ આપ્યો. ગાંધીજીએ આપેલો બીજો શબ્દ છે હરિજન. ભગવાનનાં માણસો (હરિના જન) એવો અર્થ ધરાવતો આ શબ્દ ભારતીય સમાજમાં અસ્પૃશ્ય ગણાતા લોકોના સામાજિક ઉત્થાન અને સન્માન માટે ગાંધીજીએ પ્રચલિત કર્યો હતો. આ જ નામથી એક સાપ્તાહિક સમાચાર પત્ર (‘હરિજન’) પણ શરૂ કર્યું હતું. સર્વોદય (તમામ વર્ગના લોકોનો ઉદય) શબ્દ પ્રચલિત કરવાનો શ્રેય પણ ગાંધીજીને જાય છે. જોન રસ્કિનના પુસ્તક ‘અનટુ ધીસ લાસ્ટ’ ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે ગાંધીજીએ આ નવો શબ્દ ઘડ્યો હતો. નવી શિક્ષણ પદ્ધતિને નજર સામે રાખી તેમણે વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત નઈ તાલીમ શબ્દ આપ્યો હતો. કેવળ પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે શારીરિક શ્રમ, હસ્તકલા અને નૈતિક મૂલ્યો આધારિત કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. લોક સેવક સંઘ એટલે જનતાની સેવા કરનાર લોકોનું સંગઠન. ગાંધીજી ગ્રામીણ ઉત્થાન માટે કામ કરતા એક બિન-રાજકીય સામાજિક સંગઠનની ઈચ્છા રાખતા હતા અને એ માટે આ નવું નામ આપ્યું હતું. અહિંસા અને સ્વરાજ પણ ગાંધીજીના આંદોલનો સાથે સંકળાયેલા છે, પરંતુ આ શબ્દો ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જ અસ્તિત્વમાં હતા, ગાંધીજીએ તેને એક નવું રાજકીય અને વ્યવહારિક પરિમાણ આપ્યું હતું.

શબ્દકોશમાં પણ ગાંધી સંદર્ભે અલગ અલગ શબ્દ અસ્તિત્વ ધરાવે છે. તેમના વિરાટ વ્યક્તિત્વને કારણે ગાંધી શબ્દ ભાષામાં વણાઈ ગયો હતો. જોકે, ગાંધી એટલે કરિયાણું વગેરે વેચનારો વેપારી પણ એને જી લાગતા બને ગાંધીજી અને ગાંધીજી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી. સમય જતા આ સંજ્ઞાવાચક નામ વિશેષણ બની ગયું. ગાંધીવાદ એટલે સત્ય અને  અહિંસાના પાયા પર સમાજ વ્યવસ્થા તથા માનવ જીવનની ગાંધીજીએ બતાવેલી દૃષ્ટિ કે ફિલસૂફી. ગાંધીવાદી એટલે ગાંધીવાદમાં શ્રદ્ધા રાખનારી વ્યક્તિ. ગાંધીટોપી એટલે ખાદીની સફેદ લાંબી ટોપી.  અસહકારની ચળવળ દરમિયાન 1920-21 ના સમયગાળામાં બાપુએ ગાંધી ટોપીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અસંખ્ય ક્રાંતિકારીઓ અને નેતાઓ એ પહેરતા હતા. ગાંધીગીરી એટલે મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને પ્રેમ જેવા મૂળભૂત સિદ્ધાંતોને આધુનિક જીવન કે વિરોધ પ્રદર્શનમાં અપનાવવાની રીત  ગાંધીજીએ આશ્રમ જીવન અને વ્યક્તિગત શુદ્ધિ માટે 11 વિચાર/વ્રત આપ્યા હતા. એમાં બે વ્રત છે અસ્તેય (અસ્તેય (ચોરી ન કરવી) અને અપરિગ્રહ (જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો). આ બંને શબ્દ ભાષામાં હતા, પણ ગાંધીજીએ એને પ્રચલિત બનાવ્યા.                                                                            ઉ