નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
કોઈપણ વ્યક્તિને પોતાની માલિકી ધરાવતી મિલકતો પોતાના મૃત્યુ બાદ પોતાની ઈચ્છા, મનમરજી મુજબ વ્યવસ્થા કરવાનો પૂરેપૂરો હક્ક અને અધિકાર છે અને તેવી વ્યવસ્થા કરવા વિલ યાને વસિયતનામું બનાવવામાં આવે છે.
વિલ કરનાર દ્વારા પોતાના સંતાનો અથવા કોઈપણ સગા-સંબંધી યા ત્રાહિત વ્યકિતને તેની હયાતી બાદના મિલકતના માલિક કોને બનાવવો એ તેની મન-મરજી ઉપર હોય છે.
જો કોઈ વ્યક્તિ બિનવસિયત ગુજરી જાય તો તેની મિલકત પછી તેના કાયદેસરના વારસદારોને પ્રાપ્ત થાય છે. હવે અહીં સવાલ એ છે કે જો બિનવસિયત ગુજરી જનાર વ્યક્તિની મિલકત તેના કાયદેસરના વારસદારોને પ્રાપ્ત થાય તો તે વડીલોપાર્જિત મિલકત ગણાય ખરી ? જો કોઈ વ્યક્તિ વિલ બનાવીને ગુજરી જાય તો એની મિલકતનો વહીવટ વિલમાં ઉલ્લેખ કર્યા મુજબની વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. વિલથી પ્રાપ્ત કરનાર વ્યક્તિ મરનાર વ્યક્તિનો કાયદેસરનો વારસદાર હોય તો પણ વિલથી પ્રાપ્ત કરેલી મિલકત તેની સ્વપાર્જિત ગણાય.
માનનીય હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટ દ્વારા ઠરાવ્યું છે કે, વસિયત હેઠળનો વ્યવહાર બે હયાત વ્યક્તિ વચ્ચેનો વ્યવહાર નહીં હોઈ તેને મિલકતની તબદીલી તરીકે ગણી શકાય નહીં. મિલકત તબદીલી અધિનિયમમાં આવતી ‘ટ્રાન્સફર’ શબ્દની વ્યાખ્યા વિલને લાગુ પાડી શકાય નહીં, કારણ કે, કોઈપણ કાયદાના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે હેતુપૂર્વકનું અર્થઘટન આપવું જોઈએ.
આ બાબત સ્પષ્ટ થાય કે, વસિયત હેઠળનો વ્યવહાર બે હયાત વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર નહીં હોઈ તેને મિલકતની તબદીલી તરીકે ગણી શકાય નહીં. ઉપરાંત મિલકત વારસાહકક કાયદાની જોગવાઈ મુજબ બિનવસિયત ગુજરી જનાર વ્યક્તિના વારસદાર તરીકે પ્રાપ્ત થતી ન હોય તો વડીલોપાર્જિત ગણાય નહીં, પરંતુ મરનાર વ્યક્તિએ કરેલ વસિયતનામા મુજબ પ્રાપ્ત કરી હોઈ તે સ્વપાર્જિત ગણાય.
(સંદર્ભ: કરમો વિ. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ- નામદાર હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટ)