મુંબઈ: ફ્લાયદુબઈના હીરો પાઈલટ બની 170 લોકોનો જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સ્મિતના પિતા ઉપેન્દ્ર મચ્છરે વીડિયો કોલ દરમિયાન તેમના સ્વાસ્થ્ય અંગે મહત્ત્વની અપડેટ આપી હતી. વીડિયો કોલ મારફત મળેલી માહિતીમાં સ્મિતના પિતાએ જણાવ્યું હતું કે આજે સ્મિત મારી સાથે 10 પગલાં ચાલ્યો હતો. પુત્રને આ રીતે ચાલતો જોઈ પિતાએ ખુશી વ્યક્ત કરી હતી.
ઉપેન્દ્ર મચ્છરે જણાવ્યું હતું કે સ્મિત ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને આજે તેણે તેમની સાથે 10 પગલાં ચાલ્યા હતા. તેમણે સ્મિતની રિકવરીને લઈને ખુશી વ્યક્ત કરી અને તેના માટે પ્રાર્થના તથા સહયોગ કરી રહેલા તમામ લોકોનો આભાર માન્યો હતો.
Corporator @SushamSawant connects with Captain Smit Machchhar’s father on a video call, as he takes 10 steps alongside his father.Aarti and Hanuman Chalisa were also recited at a Hanuman temple today, praying for Smit’s recovery #SmitMachchhar #Mumbai #HanumanChalisa #breking https://t.co/zgZ335Fq1N
— Chetna Raja (@ChetnaRaja) October 4, 2026
આ અપડેટ મુંબઈના નગરસેવક સુષમ સાવંતે સ્મિતના પિતા સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી તે સમયે કેપ્ટન સ્મિતના પિતા ઉપેન્દ્ર મચ્છરે આપ્યું હતું. તેમણે નગરસેવક સાથે વિડીયો કોલ પર વાત કરી સ્મિતના સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવવા બદલ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન સ્મિતના ઝડપી સ્વસ્થ થવા માટે ચેમ્બુર પરિસરમાં આવેલા હનુમાન મંદિરમાં આરતી અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું હતું. સ્મિતના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન પણ સ્મિતે સંકટની ઘડીમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હોવાની માહિતી આપી હતી.
30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ દરમિયાન કો-પાઇલટ દ્વારા સ્મિત પર પ્લેન ક્રેશ કરવાના આતંકી ષડયંત્ર હેઠળ કોકપિટમાં હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં સ્મિતે હિંમત બતાવી કોકપિટનો દરવાજો ખોલ્યો, જેના પગલે અન્ય ક્રૂ સભ્યો અંદર પહોંચી શક્યા અને વિમાનનું નિયંત્રણ સંભાળી શક્યા. ફ્લાઇટમાં કુલ 174 લોકો સવાર હતા.
રિતુ તાવડેએ સ્મિતના કાકા કિશોર મચ્છરની કરી મુલાકાત

ફ્લાયદુબઈના ઘાયલ પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરના પરિવારને મળવા મુંબઈના મેયર રિતુ તાવડે આજે ઘાટકોપર ઈસ્ટ પહોંચ્યા હતા. તેમણે સ્મિતના કાકા કિશોર મચ્છરના નિવાસસ્થાને પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્મિતના ઝડપથી સ્વસ્થ થવા અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
મેયર રિતુ તાવડેએ પરિવાર પાસેથી કેપ્ટન સ્મિત મચ્છરની તબિયત અને ચાલી રહેલી તબીબી સારવાર અંગે માહિતી મેળવી હતી. 30 સપ્ટેમ્બરે વિમાનના કોકપિટમાં બનેલી ઘટનામાં સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમની તબિયત અંગે પણ તેમણે પરિવાર સાથે વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન મેયરે સ્મિતના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સાજા થવા માટે પ્રાર્થના પણ કરી હતી. તેમણે મુશ્કેલ સમયમાં મચ્છર પરિવારને મુંબઈના લોકોના સમર્થન અને શુભેચ્છાઓ સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન ભાજપના ધારાસભ્ય પરાગ શાહ, નગરસેવક ધર્મેશ ગિરી અને નગરસેવિકા રાખી જાધવ સહિત સ્થાનિક લોકો અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મિત મચ્છરના પરિવારનું નિવાસસ્થાન રિતુ તાવડે જે વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે તે જ વોર્ડ 132માં આવે છે.
ફ્લાયદુબઈની દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જતી ફ્લાઇટમાં બનેલી કોકપિટની ઘટનામાં સ્મિત મચ્છર આતંકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તેમની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે મુંબઈ સહિત અનેક સ્થળોએ પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.