Tue Oct 06 2026

Logo

અલ-કાયદાએ ફ્લાયદુબઈ ઘટનાને 9/11 સાથે સરખાવી વખાણ કર્યાં, ફરી મોટા વિમાન હુમલાની ધમકી આપી

Dubai   2026-10-04 14:23:46
Author: Vimal Prajapati
અલ-કાયદાએ ફ્લાયદુબઈ ઘટનાને 9/11 સાથે સરખાવી વખાણ કર્યાં, ફરી મોટા વિમાન હુમલાની ધમકી આપી

વોશિંગ્ટન / દુબઈ: અલ-કાયદાએ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં બનેલી હાઇજેકિંગની કોશિશની પ્રશંસા કરી છે. આ સાથે જ સંગઠને અમેરિકા અને ઇઝરાયેલની એરલાઇન્સના વિમાનોને નિશાન બનાવી ફરી એવા જ હુમલા કરવા માટે સમર્થકોને ઉશ્કેર્યા છે. આ સાથે વિશ્વભરમાં આતંક ફેલાવનારા આતંકી સંગઠન અલ-કાયદાએ ફરી એકવાર નાપાક આયોજન સાથે વિમાન હુમલા કરવાની ધમકી આપી છે. જે ઘટનાને આખી દુનિયાને વખોડી છે, તેના આતંકી સંગઠન અલ-કાયદાએ વખાણ કર્યાં અને સાથે બીજા મોટા હુમલાની ધમકી પણ આપી છે. 

‘અલ-બયાન’ પ્રકાશનમાં છપાયો આતંકી અહેવાલ

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ આતંકી ધમકી અલ-કાયદાના સમર્થકો દ્વારા શરૂ કરાયેલા સાપ્તાહિક પ્રકાશન અલ-બયાનના તાજેતરના અંકમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સામગ્રી હટાવી લેવામાં આવે તે પહેલાં અલ-કાયદા સંબંધી ટેલિગ્રામ ચેનલો પર વ્યાપકપણે વાયરલ કરવામાં આવી હતી. અરબી ભાષામાં લખાયેલા આ લેખમાં 11 સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાયેલા વિમાનની તસવીર તેમજ 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 પર કબ્જો કરવાની કોશિશની તસવીરો પણ સામેલ કરવામાં આવી હતી.

અલ-કાયદાના પ્રકાશનમાં ચોખ્ખી ધમકી આપવામાં આવી છે કે, ‘યુદ્ધ હજુ પૂરું થયું નથી. ઇઝરાયેલીઓ, અમેરિકનો અને ઇસ્લામ વિરુદ્ધ લડનારા તમામ કાફિરોને લઈ જતાં વિમાનો હજુ પણ આકાશમાં ઉડી રહ્યા છે અને તેમને નિશાન બનાવી શકાય છે. જેવું 9/11માં થયું હતું’, વધુમાં લખ્યું કે, ‘અમેરિકા અને ઝાયોનિસ્ટોના દુશ્મનો આજે પહેલા કરતાં પણ વધુ છે, એ શક્ય છે કે ઈશ્વરમાં વિશ્વાસ ન રાખનાર કોઈ વ્યક્તિ તેમને નિશાન બનાવે અને આ અભિયાનનો આખરે ઈસ્લામને લાભ થાય’. આ લેખમાં અમેરિકાના સામ્રાજ્યને સમાપ્ત કરવાની ધમકી પણ આપવામાં આવી છે. 

ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં શું બન્યું હતું?

તારીખ 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં 174 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં મોટાભાગના ઇઝરાયેલી નાગરિકો હતા. ઉડાન દરમિયાન કો-પાયલટ અલ-હમ્મામીએ અચાનક જ કપ્તાન સ્મિત મચ્છાર પર કોકપિટમાં રાખેલી કુહાડીથી જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ વિમાને ઈમરજન્સી ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યું હતું અને વિમાન અચાનક જ નીચે તરફ ખાબકવા લાગ્યું હતું. વિમાન 34,000 ફૂટની ઊંચાઈથી ઝડપથી નીચે આવીને 17,000 ફૂટથી પણ નીચે પહોંચી ગયું હતું. આ ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે બહાદૂરી દેખાડી હતી, એટલા માટે વિશ્વભરમાં તેમને વખાણ થઈ રહ્યાં છે.