તેલ અવીવ: ફ્લાયદુબઈના પાયલટ કેપ્ટન સ્મિતે 174 મુસાફરોના જીવ બચાવ્યા હતા. હાલ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા ચાલી રહી છે. જેમાં ભારતના પીએમ મોદીથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ, નેતન્યાહૂ અને દુબઈના ક્રાઉન પ્રિન્સ સહિત તમામ લોકો તેમના વખાણ કર્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ, ભારત અને યુએઈ (UAE) વચ્ચેની ભાગીદારીને આ ક્ષેત્ર અને વિશ્વનું ભવિષ્ય ગણાવ્યું છે.
તમામ દેશો આતંકવાદ વિરુદ્ધ એકજૂથ
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે 'X' પર પોસ્ટ કર્યું છે કે, એક જેહાદી આતંકવાદી દુબઈ-તેલ અવીવ ફ્લાઇટને ક્રેશ કરીને તેમાં સવાર તમામ લોકોને મારી નાખવા માંગતો હતો. પરંતુ બહાદુર ઇઝરાયેલી મુસાફરોએ તેનો સામનો કર્યો અને તેને રોકી દીધો. તેમની સાથે એક ભારતીય પાયલોટ અને UAEના ક્રૂ સભ્યો પણ વિમાનને બચાવવા માટે મક્કમતાથી ઊભા રહ્યા. ઇઝરાયેલીઓ, અમીરાતીઓ અને ભારતીયોએ આ તમામ આતંકવાદ વિરુદ્ધ એકજૂથ છે. આ જ આપણા પ્રદેશ અને વિશ્વનું ભવિષ્ય છે.
કેપ્ટન સ્મિતે વડાપ્રધાન નેતન્યાહુ સાથે આ ઘટનાની ચોંકાવનારી વિગતો શેર કરી
ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરના રોજ આશરે 34,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહેલી 'ફ્લાયદુબઈ' ફ્લાઇટના કોકપિટમાં બનેલી ઘટના અંગે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. કો-પાયલોટના હુમલામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે આ ઘટનાની ચોંકાવનારી વિગતો શેર કરી હતી.
કેપ્ટન સ્મિત પર કુહાડી વડે ચારથી પાંચ વાર હુમલો કર્યો
કેપ્ટન સ્મિતે જણાવ્યું હતું કે કો-પાયલટ હમ્મામ અલ-હમામીએ નમાઝનો સમય થયો હોવાનું કહીને પ્રાર્થના કરવાના બહાને પોતાની સીટ છોડી હતી. કેપ્ટન સ્મિટે તેને પરવાનગી આપી અને સામેની તરફ ધ્યાન રાખીને વિમાન ઉડાડવાનું ચાલુ રાખ્યું હતું.જોકે, હમામીએ પાછળથી તેમના પર હુમલો કર્યો હતો. માત્ર થોડી જ સેકન્ડોમાં,કો-પાયલટે કેપ્ટન સ્મિત પર કુહાડી વડે ચારથી પાંચ વાર હુમલો કર્યો.