(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે રવિવારે દક્ષિણ મુંબઈમાં વિપક્ષો દ્વારા સંયુક્ત મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચો પરવાનગી વિના કાઢવામાં આવ્યો હોવાથી તેના આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
સાઉથ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર મનીષ કાલવાનિયાએ ગુનો નોંધાયો હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. તેમના કહેવા મુજબ મોરચાનું આયોજન પરવાનગી વગર કરવામાં આવ્યું હતું. પરિણામે આયોજકો વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના નેતૃત્વમાં મેટ્રો થિયેટરથી મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય સુધી રવિવારની સવારે મોરચો કાઢવામાં આવ્યો હતો. પછી આ મોરચાને સભાનું સ્વરૂપ અપાયું હતું. એસઆઈઆર રદ કરવા સહિત ચૂંટણીઓ ઈવીએમને બદલે ફરી બેલટ પેપર પ્રક્રિયાથી થવી જોઈએ, એવી મુખ્ય માગણીઓ આ વખતે કરાઈ હતી.
કહેવાય છે કે અગાઉ મોરચો ભાયખલાથી બીએમસી મુખ્યાલય સુધી લઈ જવાનું નક્કી કરાયું હતું. આ અંગે રાજકીય પક્ષોના આગેવાનોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં મેટ્રો થિયેટરથી મોરચો કાઢવાનું નક્કી થયું હતું.
જોકે આ મોરચાને કોઈ સત્તાવાર પરવાનગી અપાઈ નહોતી. કહેવાય છે કે પોલીસ પાસે મોરચા માટે ત્રણ વાર પરવાનગી માટે અરજી કરાઈ હતી, પરંતુ ત્રણેય વાર પરવાનગી નકારવામાં આવી હતી. આખરે પરવાનગી વિના મોરચો કાઢવામાં આવ્યો હતો. હવે આ મામલે પૂરતી ચકાસણી પછી પોલીસ આગામી કાર્યવાહી હાથ ધરશે.