Tue Oct 06 2026

Logo

બુટલેગરો અને નશેડીઓ સાવધાન! કચ્છના ફતેહગઢ ગામે લીધો કડક નિર્ણય; દારૂ વેચવા-પીવા પર થશે તોતિંગ દંડ

2026-10-05 10:17:00
Author: Mumbai Samachar Team
બુટલેગરો અને નશેડીઓ સાવધાન! કચ્છના ફતેહગઢ ગામે લીધો કડક નિર્ણય; દારૂ વેચવા-પીવા પર થશે તોતિંગ દંડ

ભુજઃ કચ્છ જિલ્લાના સરહદી રાપર તાલુકાના ફતેહગઢ ગામે દારૂના દૂષણને જળમૂળથી ડામી દેવા અને ગામને સંપૂર્ણ વ્યસનમુક્ત બનાવવા માટે ગ્રામજનો તેમજ પંચાયત દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં ગેરકાયદે દારૂનું વેચાણ કરનાર તત્વો સામે રૂપિયા ૨૧,૦૦૦ તેમજ દારૂનું સેવન કરનાર સામે રૂપિયા ૧,૧૦૦નો આકરો આર્થિક દંડ ફટકારવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગ્રામજનોની બેઠકમાં લેવાયો નિર્ણય

મળતી વિગતો અનુસાર, ફતેહગઢ ગામમાં દારૂના વધી રહેલા ચલણના કારણે ગ્રામીણ પરિવારોમાં આર્થિક અને સામાજિક પાયમાલી સર્જાતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાસ કરીને યુવાધન વ્યસનના રવાડે ચડીને બરબાદ ન થાય તે હેતુથી ગામના સરપંચ, પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓની એક વિશેષ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામને કલંકમુક્ત કરવા માટે કડક આચારસંહિતા ઘડવાનો નિર્ણય લેવાયો હતો.

કેટલો કરાશે દંડ

બેઠકમાં કરાયેલા સર્વાનુમત ઠરાવ મુજબ, હવેથી ગામની સીમ કે રહેણાક વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ દેશી કે વિદેશી દારૂ વેચતો પકડાશે તો તેને તાત્કાલિક રૂપિયા ૨૧,૦૦૦નો રોકડ દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, દારૂ પીધેલી હાલતમાં પકડાઈ જનાર સ્થાનિક કે બહારના શખ્સ પાસેથી રૂપિયા ૧,૧૦૦નો દંડ વસૂલવામાં આવશે.

વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારનો સામાજિક બહિષ્કાર?

આ નિર્ણયનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ગ્રામજનોની એક સમિતિ પણ રચવામાં આવી છે, જે શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખશે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવાનો ઇનકાર કરશે કે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે સામાજિક બહિષ્કાર સહિત કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફતેહગઢ ગામના આ સામાજિક ક્રાંતિ સમાન પગલાંને સમગ્ર વાગડ પંથકમાં આવકાર મળી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)