Tue Oct 06 2026

Logo

નેતન્યાહૂએ સ્મિત મચ્છરને સમગ્ર વિશ્વના હીરો કહ્યાં! પીએમ મોદી સાથે ઇઝરાયેલ આવવા આપ્યું ખાસ આમંત્રણ...

Tel Aviv   2026-10-04 08:49:15
Author: Vimal Prajapati
નેતન્યાહૂએ સ્મિત મચ્છરને સમગ્ર વિશ્વના હીરો કહ્યાં! પીએમ મોદી સાથે ઇઝરાયેલ આવવા આપ્યું ખાસ આમંત્રણ...

તેલ અવીવ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં હવામાં સર્જાયેલી ભયાનક પરિસ્થિતિ વચ્ચે 174થી વધુ મુસાફરોના જીવ બચાવનાર ભારતીય કપ્તાન સ્મિત મચ્છરની ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારે પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ કપ્તાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને રિયલ-લાઈફ હીરો ગણાવ્યા હતા અને ભારત-ઇઝરાયેલની ગાઢ મિત્રતાને બિરદાવતા કપ્તાન સ્મિત મચ્છર તથા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલના આગામી સ્વતંત્રતા દિવસ પર વિશેષ મશાલ પ્રજ્વલિત કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે.   

ઇઝરાયેલના વડાપ્રધાને સ્મિતને સમગ્ર વિશ્વના હીરો કહ્યાં

ટેલિફોન પર વાતચીત દરમિયાન વડા પ્રધાન નેતન્યાહૂએ કપ્તાન મચ્છારના જુસ્સા અને ત્વરિત નિર્ણયશક્તિના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું, "હું તમને અને મારા પ્રિય મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલના આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મશાલ પ્રજ્વલિત કરવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું. તમે માત્ર ભારત કે ઇઝરાયેલના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હીરો છો. હું તમારા ઝડપી અને પૂર્ણ સ્વાસ્થ્ય સુધારા માટે કામના કરું છું."

કોકપિટમાં શું બન્યું હતું?

ઘટના અંગે વિગતવાર માહિતી આપતા કપ્તાન મચ્છરે જણાવ્યું કે, ફ્લાઈટ પોતાની સામાન્ય ગતિમાં આગળ વધી રહી હતી. તે સમયે કો-પાયલટે નમાજ અદા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં કપ્તાને કહ્યું કે, ‘સામાન્ય વિમાની શિષ્ટાચાર મુજબ જ્યારે તે નમાજ પઢી રહ્યો હતો ત્યારે મેં સન્માન ખાતર સામે તરફ જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ અચાનક જ મારા માથાના પાછળના ભાગે જોરદાર પ્રહાર થયો. શરૂઆતમાં મને લાગ્યું કે પ્લેનમાં કોઈ મોટી યાંત્રિક ખામી સર્જાઈ છે. પરંતુ જ્યારે એક પછી એક સતત હુમલા થવા લાગ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ કોઈ પ્લેનની ખામી નથી, પરંતુ મારી સાથે કોકપિટમાં બેઠેલો વ્યક્તિ જ મારા પર હુમલો કરી રહ્યો છે’.

માત્ર 2 મિનિટમાં 16,000 ફૂટ નીચે આવી ગયું વિમાન

હુમલાના કારણે વિમાનનું સંતુલન બગડ્યું હતું અને કંટ્રોલ ગુમાવતા જ વિમાન ઝડપથી નીચે તરફ ખાબકવા લાગ્યું હતું. હાઇજેકિંગનો ઇમરજન્સી સિગ્નલ મોકલવામાં આવે તે પહેલા જ માત્ર બે મિનિટના ટૂંકા ગાળામાં પ્લેન આશરે 16,000 ફૂટ જેટલું નીચે આવી ગયું હતું. ગંભીર ઈજાઓ પહોંચવા છતાં કપ્તાન મચ્છરે હિંમત હારી ન હતી. તેમણે ઉમેર્યું કે, "અચાનક થયેલા હુમલાને કારણે મારી આંખો સામે અંધારા છવાઈ ગયા હતા અને બધું ધૂંધળું દેખાતું હતું. છતાં મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો." કોકપિટનો દરવાજો ખુલતા જ કેબિન ક્રૂ અને મુસાફરો તરત જ અંદર ધસી આવ્યા હતા અને હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જ્યાં તમામ 174 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.