મુંબઈ: ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં હવામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરોના પ્રાણ બચાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. હવે બોલિવૂડના ‘કિંગ’ શાહરૂખ ખાને પણ કેપ્ટન સ્મિત મચ્છરને સલામ કરતા સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ શેર કરી છે. શાહરૂખની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
શાહરૂખ ખાને પોતાની પોસ્ટમાં કેપ્ટન સ્મિત મચ્છરની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. અભિનેતાએ લખ્યું કે, 'કેપ્ટન સ્મિત મચ્છર, જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે મજબૂત બનીને ઊભા રહ્યા.' તેણે આગળ કહ્યું કે મુશ્કેલી સામે અડીખમ ઊભા રહેવું અને પોતાની સુરક્ષાને જોખમમાં મૂકવી સરળ નથી, પરંતુ સ્મિતે વિમાનમાં સવાર લોકોની સુરક્ષા માટે એવું જ કર્યું, સાહસ અને ફરજની સાચી મિસાલ'. આ સાથે તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

કેપ્ટન સ્મિત મચ્છરની આ હિંમતની માત્ર શાહરૂખ ખાને જ નહીં, પરંતુ સલમાન ખાન ઉપરાંત અન્ય બોલિવૂડ કલાકારોએ પણ સ્મિતની બહાદુરીને બિરદાવી છે. આ ઘટના બાદ કેપ્ટન સ્મિત મચ્છર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. યુએઈની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ પણ કેપ્ટન, ફ્લાઈટ ક્રૂ અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં મદદ કરનારા મુસાફરોની પ્રશંસા કરી છે. ઘટનાની તપાસ પણ ચાલી રહી છે.
શાહરૂખ ખાનની પોસ્ટ બાદ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ફરી એકવાર દેશભરમાં સલામ મળી રહી છે. પોતાની જિંદગી જોખમમાં હોવા છતાં વિમાનમાં સવાર લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપનાર સ્મિતે પાઇલટ તરીકેની ફરજ અને હિંમતનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાહરૂખના શબ્દોમાં કહીએ તો, 'દેશને તમારા પર ગર્વ છે.'