Thu Sep 10 2026

Logo

પીએમ જન ધન બેંક એકાઉન્ટના ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા, જાણો વિગતે

2026-09-06 21:44:46
Author: Chandrakant Kanoja
પીએમ જન ધન બેંક એકાઉન્ટના ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા, જાણો વિગતે

નવી દિલ્હી: પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટના  આરટીઆઇમાં ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. જેમાં ચારમાંથી એક ખાતું નિષ્ક્રિય  છે. તેમજ 5.72 કરોડ જન ધન ખાતાઓમાં શૂન્ય બેલેન્સ છે. 

32.89 કરોડ મહિલા ખાતા 

આ અંગે આરટીઆઈ  કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ, 2026 સુધીમાં દેશભરમાં કુલ 59,03,74,907 જન ધન ખાતા હતા. આ બધા ખાતાઓમાં કુલ બેલેન્સ ₹3.15 લાખ કરોડને વટાવી ગયું છે. કુલ ખાતાઓમાંથી 32.89 કરોડ મહિલાઓ  દ્વારા રાખવામાં આવ્યા છે. જ્યારે 26.14 કરોડ પુરુષોએ ખોલાવ્યા છે. 

15,36,77,009 ખાતાઓ નિષ્ક્રિય

આ ઉપરાંત  57,235,490 જનધન ખાતાઓમાં શૂન્ય બેલેન્સ હતું.જ્યારે 15,36,77,009 ખાતાઓ નિષ્ક્રિય  છે.જે સૂચવે છે કે મોટી સંખ્યામાં બેંક ખાતાઓ છે જેનો લાંબા સમયથી ઉપયોગ થયો નથી. 

હેતુ લોકોને સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડવાનો

પીએમ જન ધન યોજના ઓગસ્ટ 2014 માં નાણાકીય સમાવેશ માટેના રાષ્ટ્રીય મિશન તરીકે શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ દેશના દરેક પરિવારને બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અને ઓછામાં ઓછું એક મૂળભૂત બેંક ખાતું પ્રદાન કરવાનો, નાણાકીય સાક્ષરતા વધારવાનો અને લોકોને સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડવાનો હતો. 

ઉત્તર પ્રદેશમાં 3.23 કરોડ જનધન ખાતાઓ નિષ્ક્રિય

આ ઉપરાંત રાજ્યોની વાત કરીએ તો  ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 95.92 લાખ જનધન ખાતાઓ નોંધાયા છે. આ પછી બિહારમાં 62.35 લાખ, પશ્ચિમ બંગાળમાં 37.20 લાખ, આસામ માં 36.30 લાખ અને મહારાષ્ટ્રમાં 36.04 લાખ ખાતા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 3.23 કરોડ જનધન ખાતાઓ સાથે નિષ્ક્રિય ખાતાઓની યાદીમાં ટોચ પર છે. તે પછી બિહાર 1.59 કરોડ, મધ્ય પ્રદેશ 1.35 કરોડ, પશ્ચિમ બંગાળ 1.02 કરોડ અને મહારાષ્ટ્રમાં  97.94 લાખ નિષ્ક્રિય ખાતાઓ છે.