Tue Oct 06 2026

Logo

કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગળ ધપતી તેજી

2026-09-09 19:59:38
Author: Ramesh Gohil
કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગળ ધપતી તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવને કારણે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે તણાવ વધતાં વિવિધ કૉમૉડિટીમાં પુરવઠાખેંચની સ્થિતિ સર્જાવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે કોપર સહિતની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હતું.

આમ વિશ્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને કોપર, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચથી 12ની તેજી આવી હતી, જ્યારે વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. એક વધી આવ્યા હતા. જોકે, આજે નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 12 વધીને રૂ. 1482, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. 10 વધીને અનુક્રમે રૂ. 1280 અને રૂ. 360, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. 1388 અને રૂ. 1378, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. 1361 અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 995ના મથાળે રહ્યા હતા. 

વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 5339ના મથાળે રહ્યા હતા, જ્યારે નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. 305 અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. 438ના મથાળે રહ્યા હતા. આ સિવાય ખપપૂરતી માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, લીડ ઈન્ગોટ્સ અને નિકલના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 950, રૂ. 202 અને રૂ. 1625ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.