Mon Oct 05 2026

Logo

કરીના કપૂરે 600 કલાકોમાં તૈયાર થયેલો ડ્રેસ પહેર્યો, જુઓ નવાબી અંદાજ

2026-09-09 21:26:08
Author: Mumbai Samachar Team
કરીના કપૂરે 600 કલાકોમાં તૈયાર થયેલો ડ્રેસ પહેર્યો, જુઓ નવાબી અંદાજ

મુંબઈ: બોલીવુડની બેબો એટલે કે નવાબ ખાનદાનની લાડલી વહૂરાણી કરીના કપૂર ખાન આજે પણ જયારે કોઈ ફેશન કેમ્પેઇનનો ભાગ બને છે ત્યારે એની ચર્ચા અચૂક સોશિયલ મીડિયા પર થાય છે. તાજેતરમાં જાણીતી ડિઝાઈનર રીતુ કુમારના નવા કોચર કલેક્શનની સાથે જોવા મળી હતી. મંગળવારે કરીનાએ સોશિયલ મીડિયા પર રીતુ કુમાર કોચર 2026નું ટ્રેલર શેર કર્યું હતું, જેમાં તે ડિઝાઈનરના નવા કલેક્શનના ભવ્ય આઉટફિટ્સમાં જોવા મળી હતી. આ કલેક્શનને અમરીશ કુમારે ડિઝાઇન કર્યું હતું, પણ રોયલ અંદાજમાં જોવા મળેલી કરીના કપૂર છવાઈ ગઈ હતી.

કરીનાએ આ કેમ્પેન સાથે પોતાના ભાવાત્મક જોડાણનું કારણ પણ જણાવ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે રીતુ કુમારની તેના દિલમાં ખાસ જગ્યા છે. તેનું કારણ છે કે તેમાં પરિવારથી જોડાયેલું એક પરંપરાગત પરિધાન છે, જે એક સમયે ભોપાલની બેગમથી સબંધિત હતું. ત્યાર બાદ આ પોશાક કરીનાની સાસુને ભેટમાં મળ્યો હતો અને તેમણે આ પહેરવેશ તેમના લગ્નમાં પણ પહેર્યો હતો. અનેક વર્ષો બાદ આ પોશાકને રીતુકુમારે ફરી તૈયાર કરી રીસ્ટોર કર્યો, જેથી કરીના તેને પોતાના લગ્નમાં પહેરી શકે. 

આ કારણે જ કરીના માટે આ નવી ફેશન કેમપેન કોઈ સામાન્ય બ્રાન્ડ શૂટ જેવું નહોતું. તેના માટે આ પરિવારની યાદો, ભાવનાઓ અને વારસાઓથી જોડાયેલી એક એવી સફર છે જે એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચ્યું છે. કરીનાએ પણ આ સંબંધને યાદ કરતા કહ્યું કે અમુક વસ્તુઓ જીવનમાં એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરે છે અને આ કેમ્પેન તેમના માટે તે ભાવનાથી જોડાયેલું છે. 

રીતુ કુમાર કોચર 2026માં કુલ છ અલગ અલગ લુક્સને સામેલ કરવાં આવ્યા છે. દરેક આઉટફીટની પોતાની અલગ ઓળખ છે, પરંતુ દરેકમાં પારંપરિક ભારતીય કારીગરીને આધુનિક સિલહૂટ સાથે રજૂ કરવાં આવ્યું છે. કલેક્શનમાં માટીથી જોડાયેલા રંગ, જટિલ સિલાઈ, પારંપરિક પ્રિન્ટ અને જૂની ભવ્યતાને જગ્યા આપવામાં આવી છે. 

કરીનાની સ્ટાઇલ આ સમગ્ર કહાનીને ગ્લેમરસ અને સિનેમેટિકલ ઓપ આપે છે. કલેક્શનનું સૌથી ખાસ પરિધાનમાંથી એક છે જેસલમેર જેકેટ અને સ્કર્ટ. આ પોશાકને રાજસ્થાનની વાસ્તુકલા અને ત્યાંના સાંસ્કૃતિક વારસાથી પ્રેરણા મળી છે. 

બ્લોક પ્રિન્ટને આધુનિક જેકેટ અને સ્કર્ટના રૂપમાં રજૂ કરવામાં અવાયું છે. જેની ઉપર ટિક્કી અને જરદોશી જેવા કામની ઝીણવટ જોવા મળે છે. બ્રાન્ડના જણાવ્યા અનુસાર આ એક ડ્રેસ તૈયાર કરવામાં કારીગરોને 600 કલાકથી વધુ સમય લાગ્યો હતો. એક અન્ય લુકમાં કરીના એન્ટિક ગોલ્ડ, ઓલિવ અને ઓકર રંગોના કોમ્બિનેશનમાં જોવા મળે છે. ડીપ વી-નેકલાઇન અને કોર્સેટ જેવી એમ્બ્રોડરડ બોડીસ આ આઉટફિટને બોલ્ડ, પરંતુ રોયલ લુક આપે છે. 

આ પોશાકમાં પેસલી મોટિવ્સ અને જરદોશીનુ બારીક કામ કરવામાં આવ્યું છે. શીયર પ્રિન્ટેડ સ્લીવ્સ સાથે તેનું ફ્લેયર્ડ સ્કર્ટ સિલહૂટ સમગ્ર લુકને જૂના જમાનાની શાહી સુંદરતા આપે છે. આ આઉટફિટ સાથે જવેલરીને વધુ ભારે નથી રાખવામાં આવી જેથી કપડાંની ભવ્યતા ટકી રહે. કલેક્શનમાં એક સ્ટ્રક્ચર્ડ જેકેટવાળો લુક પણ ખાસ છે. 

કરીનાએ ફ્લોઈ ફ્લેયર્ડ સ્કર્ટ અને ઇનર ટ્યૂનિક સાથે એવું જેકેટ પહેર્યું છે જેના પર મિરર વર્ક, મેટાલિક એમ્બ્રોઇડરી અને જ્યોમેટ્રિક પેટર્ન જોવા મળે છે. અહીંયા પણ એક્સેસરીઝ મિનિમલ રાખવામાં આવી છે. ડિઝાઇનનો હેતુ સ્પષ્ટ છે કે કપડાં પાછળની મહેનત અને ઝીણવટ પહેલા દેખાઈ શકે. 

વધુ એક પોશાકમાં કરીનાએ અર્થલી ગ્રીન અને બ્લેક પ્રિન્ટેડ બેસ પર શીયર બ્લેક ડ્રેપ કેરી કર્યું છે. ડ્રેપ પર એન્ટિક ગોલ્ડ જરદોશી, પેસલી બોર્ડરનું કામ વિન્ટેજ લુક આપે છે. રંગો અને ગુંથણીનો આ સંગમ કલેક્શનની આ ખાસિયતને પ્રસ્તુત કરે છે, જેમાં પારંપરિક ભારતીય શિલ્પને આધુનિક ફેશન સાથે જોડવામાં આવ્યું છે. 

સમગ્ર કેમ્પેનની સ્ટાઇલિંગ રિયા કપૂરે કરી છે. છ લુકમાં જવેલરી અને ફૂટવેરની પસંદગી એવી રીતે કરવામાં આવી છે કે તે કપડાની ગુંથણી પર ભારે ન પડે. અલગ અલગ લુક્સ સાથે જાણીતી બ્રાન્ડની જ્વલેરી સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ફૂટવેરમાં જિમી ચુ અને બીજા લગ્ઝરી લેબલ્સ જોવા મળે છે. 

કેમ્પેઇનને ફિલ્મ પર ધ બેડલી ડ્રોન બૉયે શૂટ કર્યું છે, જયારે તેનું આર્ટ ડાયરેક્શન દિશા ડે એ સંભાળ્યુ છે. શૂટની વિઝયુઅલ ટ્રીટમેન્ટમાં એક સિનેમેટિક અનુભવ જોવા મળે છે, જે કલેક્શનના જૂના શાહી મૂળ સાથે સારી રીતે મેચ થાય છે. સમગ્ર પ્રસ્તુતિમાં એવું લાગે છે જેમ દરેક પોશાક પોતાની સાથે ભૂતકાળની કોઈ કહાની લઈને સાથે ચાલતી હોય. રીતુ કુમારે આ નવા કોચર કલેક્શનમાં કરીના ફક્ત મોડલ કે  સેલિબ્રિટી ચહેરો નથી, પરંતુ તેમના વારસાનો ભાગ છે.