Mon Oct 05 2026

Logo

ચીનમાં ભારતીય હૉકી ખેલાડીઓએ બે દિવસમાં કર્યા બાવીસ ગોલ!

Mocki   2026-09-09 18:07:21
Author: Ajay Motiwala
ચીનમાં ભારતીય હૉકી ખેલાડીઓએ બે દિવસમાં કર્યા બાવીસ ગોલ!

મંગળવારે કોરિયાને 7-3થી હરાવ્યા પછી બુધવારે તાઇપેઇની ટીમને 15-0થી કચડી નાખી

મૉકી (ચીન): અહીં ભારતના જુનિયર હૉકી ખેલાડીઓ એશિયા કપમાં ધૂમ મચાવી રહ્યા છે, કારણકે ભારતની મહિલા ટીમ મંગળવારે ક્વૉર્ટર ફાઇનલ જીતી ગઈ હતી અને પુરુષ ખેલાડીઓએ તો કમાલ જ કરી નાખી, કારણકે મંગળવારે તેમણે સાઉથ કોરિયાને 7-3થી હરાવ્યા બાદ બુધવારે તાઇપેઇની ટીમને 15-0થી કચડીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, કોરિયાની ટીમ પણ સેમિમાં પહોંચી ગઈ છે, કારણકે એણે જાપાનને 3-2થી હરાવ્યું હતું. જાપાન, ઇન્ડોનેશિયા અને તાઇપેઇની ટીમ સેમિ ફાઇનલની રેસની બહાર થઈ ગઈ છે.

ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારત (India) પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે અને આ વખતે ગ્રૂપ-એમાં 10 પૉઇન્ટ સાથે મોખરે છે. છેલ્લાં બે દિવસમાં ભારતીય મેન્સ ટીમે કુલ બાવીસ ગોલ કર્યા. સામાન્ય રીતે હૉકી મૅચમાં 15-15 મિનિટના ચાર ક્વૉર્ટર હોય છે અને એમાંના પ્રથમ ક્વૉર્ટરમાં એક પણ ગોલ નહોતો થયો. જોકે પછીની 45 મિનિટમાં ભારતના ખેલાડીઓ તાઇપેઇ (Taipei)ની ટીમ પર તૂટી પડ્યા હતા. 

ભારતીય કૅપ્ટન અને ડિફેન્ડર અનમોલ એક્કાએ પેનલ્ટી કૉર્નર દ્વારા કુલ છ ગોલ કર્યા હતા. બીજા ગોલ કરનારાઓમાં આર્યન એક્સેસ, પ્રભદીપ સિંહ, ગુરસેવક સિંહ, અર્જુન સંતોષ હર્ગુડે, અજીત યાદવ અને હરપાલ સિંહનો સમાવેશ હતો.

હાફ-ટાઇમ વખતે ભારત 6-0થી આગળ હતું. સુકાની અનમોલ એક્કાએ જે પાંચમો ગોલ કર્યો એ ભારતીય ટીમનો 10મો ગોલ હતો.