મુંબઈ: બોલીવુડમાં વેરભાવ-બદલો અને રહસ્યથી ભરેલી ફિલ્મોની પરંપરા ઘણી જૂની છે. જોકે વર્ષ 1976માં આવેલી ‘નાગિન’એ આ જ વાર્તાને એકદમ અલગ અંદાજમાં પડદા પર રજૂ કરી હતી. ફિલ્મમાં એક મહિલા પોતાના પતિના મોતનો બદલો લેવા માટે પાંચ લોકોને મોતને ઘાટ ઉતારે છે. ખાસ વાત એ હતી કે આ પાંચેય પાત્રો ફિલ્મના હીરો નહીં, પરંતુ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. રીના રોયે નાગિનનું પાત્ર ભજવીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી.
આ ફિલ્મની વાર્તાનું ફ્રાંસ સાથે પણ એક રસપ્રદ કનેક્શન છે. ‘નાગિન’ની વાર્તા 1963માં પ્રકાશિત થયેલી ફ્રેન્ચ નવલકથા ધ બ્રાઈડ વોર બ્લેકથી પ્રેરિત હતી. નવલકથામાં એક મહિલા પોતાના પતિની હત્યા માટે જવાબદાર પાંચ લોકો સામે બદલો લે છે. આ જ મૂળ વિચારને ભારતીય સિનેમાની સંસ્કૃતિ અને નાગ-નાગિનની લોકપ્રિય માન્યતાઓ સાથે જોડીને ‘નાગિન’ની કહાની તૈયાર કરવામાં આવી હતી.
1976માં થઈ હતી રિલીઝ
‘નાગિન’ 19 જાન્યુઆરી 1976ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ રાજકુમાર કોહલીએ કર્યું હતું. ફિલ્મની કહાની રાજેન્દ્ર સિંહે લખી હતી, જ્યારે સ્ક્રીનપ્લે જગ્ગીરામ પૉલ અને ચરણદાસ શોખે તૈયાર કર્યો હતો. ફિલ્મમાં રીના રોય ઉપરાંત સુનીલ દત્ત, જીતેન્દ્ર, ફિરોઝ ખાન, સંજય ખાન, કબીર બેદી, અનિલ ધવન, યોગિતા બાલી, રેખા અને મુમતાઝ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા. આટલા મોટા સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ તે સમયથી જ ચર્ચામાં રહી હતી.
રીના રોય બની હતી નાગિન
ફિલ્મની આખી કહાની રીના રોયના પાત્રની આસપાસ ફરે છે. તેઓ નાગિન બનીને પોતાના પતિના મોતનો બદલો લેવા નીકળે છે અને એક પછી એક પાંચ લોકોને નિશાન બનાવે છે. રીના રોયના અભિનય અને ફિલ્મની રહસ્યમય કહાનીએ દર્શકો પર ઊંડી અસર કરી હતી. ફિલ્મની સફળતા બાદ રીના રોય બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ હતી. ‘નાગિન’ની સફળતાએ ભારતીય સિનેમા અને બાદમાં ટેલિવિઝનમાં નાગ-નાગિનની વાર્તાઓને પણ નવી દિશા આપી. ત્યાર બાદ નાગ-નાગિનની કહાની પર અનેક ફિલ્મો અને ટીવી શો બન્યા, પરંતુ 1976ની આ ફિલ્મની પોતાની આગવી ઓળખ નિર્માણ કરી હતી.
ફિલ્મમાં હતાં છ ગીત
‘નાગિન’માં કુલ છ ગીતો હતાં. ફિલ્મનું સંગીત જાણીતી સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’ અને ‘તેરે ઈશ્ક કા મુઝપે હુઆ યે અસર હૈ’ જેવા ગીતો તે સમયના લોકપ્રિય ગીતોમાં સામેલ હતા. ખાસ વાત એ હતી કે ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’ ગીતના ત્રણ અલગ-અલગ વર્ઝન ફિલ્મમાં રાખવામાં આવ્યા હતા. ફિલ્મનું સંગીત પણ તેની લોકપ્રિયતાનું એક મોટું કારણ બન્યું હતું. ખાસ કરીને નાગિનની રહસ્યમય છબી અને ગીતોના ફિલ્માંકને દર્શકો પર અલગ જ અસર છોડી હતી.
અનેક અભિનેત્રીઓએ ફિલ્મ કરવાની ના પાડી હતી
‘નાગિન’ સાથે જોડાયેલી સૌથી રસપ્રદ વાતોમાંની એક એ છે કે રીના રોય પહેલાં ફિલ્મનો પ્રસ્તાવ ઘણી જાણીતી અભિનેત્રીઓને આપવામાં આવ્યો હતો. રીના રોયે ‘ધ કપિલ શર્મા શો’માં જણાવ્યું હતું કે રેખા અને આશા પારેખ સહિત કેટલીક મોટી અભિનેત્રીઓએ ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ રાજકુમાર કોહલીએ રીના રોયનો સંપર્ક કર્યો. રીના રોયે જણાવ્યું હતું કે તેમની માતા પણ આ ફિલ્મને લઈને શરૂઆતમાં ખુશ નહોતી. તેમને એવું લાગ્યું હતું કે તેમની દીકરી પડદા પર લોકોને ડસતી નાગિનનું પાત્ર ભજવશે. જોકે રીના રોયને ફિલ્મની વાર્તા અને પોતાનું પાત્ર પસંદ પડ્યું અને તેમણે ફિલ્મ કરવાની હા પાડી.
બોક્સ ઓફિસ પર બની સુપરહીટ
રિલીઝ બાદ ‘નાગિન’ બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મની સફળતાએ રીના રોયની કારકિર્દીને પણ નવી ઊંચાઈ આપી હતી. એક એવી અભિનેત્રી, જેને શરૂઆતમાં આ પ્રકારનું પાત્ર ભજવવા અંગે પરિવાર તરફથી પણ ચિંતા હતી, તે જ ફિલ્મ બાદ બોલિવૂડમાં વધુ લોકપ્રિય અભિનેત્રી બની હતી.અને સફળ ફિલ્મ કરી ઈતિહાસ રચી નાખ્યો હતો.
આજે 50 વર્ષ બાદ પણ ‘નાગિન’ને 1970ના દાયકાની યાદગાર મલ્ટિસ્ટારર ફિલ્મોમાં ગણવામાં આવે છે. ફ્રેન્ચ નવલકથાના મૂળ વિચારને ભારતીય લોકકથા, બદલો, રહસ્ય, સંગીત અને નાગિનના પાત્ર સાથે જોડીને બનાવાયેલી આ ફિલ્મે હિન્દી સિનેમામાં નાગ-નાગિનની વાર્તાઓ માટે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો.