સ્માર્ટ મીટર સંબંધી વિવિધ માગણીઓને લઈ દહાણુમાં હજારો રહેવાસીઓ હાઈવે પર ભેગા થશે: વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગો જાહેર, પણ ટ્રાફિક જૅમની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્માર્ટ મીટર સંદર્ભે વિવિધ માગણીઓ માટે ભારતના કમ્યુનિષ્ટ પક્ષ (માર્ક્સવાદી) દ્વારા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર દહાણુ નજીક ગુરુવારે રસ્તારોકો આંદોલનની જાહેરાત કરવામાં આવી હોવાથી બાય રોડ ગુજરાત જવાનું કે ગુજરાતથી આવવાનું વિચાર્યું હોય તો માંડી વાળવું હિતાવહ છે. વાહનવ્યવહાર માટે પાલઘર પોલીસે વૈકલ્પિક માર્ગોની જાણકારી આપી હોવા છતાં રસ્તારોકોને કારણે ટ્રાફિક જૅમની શક્યતા વ્યક્ત કરી છે.
પરિણામે વાહનધારકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ શકે છે. આંદોલનના સમય દરમિયાન જ્વલનશીલ પદાર્થનું વહન કરનારા ટૅન્કરના ડ્રાઈવર અને માલિકોને વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરી દેવાની ખાસ સૂચના પણ આપવામાં આવી છે.
પાલઘર પોલીસના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટરને મુદ્દે ગુરુવારની સવારે નવ વાગ્યાથી મુંબઈ-અમદાવાદ હાઈવે પર રસ્તારોકો આંદોલન કરવામાં આવશે. આ આંદોલનને કારણે હાઈવે પર દહાણુ નજીક ચારોટી નાકા પાસે ભારે ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે પાલઘર ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક સંબંધી આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
સવારે નવ વાગ્યાથી આંદોલન પૂરું થાય ત્યાં સુધી ડ્રાઈવરોએ પોતાનાં વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરી દેવાં અથવા વૈકલ્પિક માર્ગે પસાર થવાનો પ્રયત્ન કરવો. ખાસ કરીને જ્વલનશીલ પદાર્થ વહન કરનારાં ટૅન્કરના ડ્રાઈવરો અને માલિકોએ હાઈવે પાસેના ઢાબા તેમ જ હોટેલ નજીક સુરક્ષિત સ્થળોએ ટૅન્કર પાર્ક કરી રાખવાં અને આંદોલન પૂરું થાય ત્યાં સુધી વાહનો હાઈવે પર લાવવાં નહીં, એવી સૂચના આપવામાં આવી છે.
આંદોલનમાં પાંચથી છ હજાર રહેવાસીઓ જોડાય એવી શક્યતા છે. આ સમય દરમિયાન વાહનવ્યવહાર માટે ત્રણ રૂટ પોલીસે જાહેર કર્યા હતા, જેમાં ધુંદલવાડી, ઉધવા, સાયવન, કાસા, તલવાડા, વિક્રમગડ, પાલી, મનોર, વાડાથી થઈને આગળ પોતાના માર્ગે વાહનધારકો જઈ શકે છે. બીજા માર્ગ તરીકે ધુંદલવાડી, આશાગડ, સારણી, નાગઝરી, ચિલ્હારફાટા માર્ગે વાહનો આગળ જઈ શકશે. એ સિવાય મહાલક્ષ્મી, વાઘાડી, સાયવાન નાકા, તલવાડા, વિક્રમગડ, પાલી માર્ગે પણ જઈ શકાશે, એવું પોલીસનું કહેવું છે.