સોમવારે પાકિસ્તાન જો હૉન્ગ કૉન્ગ સામે નહીં જીતે તો ટૂર્નામેન્ટની બહાર ફેંકાશે
દુબઈઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ક્રિકેટરોની તમામ ટીમો હાલમાં પતનના માર્ગે છે, પરંતુ એક કોચ એવો છે જેનાથી ભારત સામેનો પરાજય પચ્યો નથી અને દમ વગરનો લૂલો દાવો કરીને સોશ્યલ મીડિયામાં હાંસીને પાત્ર બન્યો છે. તેણે પાકિસ્તાન તરફી ચાહકોનું ધ્યાન પોતાની તરફ અને ટીમની તરફ ખેંચવા માટે ડંફાસ મારી છે. આ ઉચ્ચ પ્રશિક્ષકે કહ્યું છે કે આવનારી મૅચોમાં પાકિસ્તાનની ટીમ સારું રમશે. જોકે સોમવારે પાકિસ્તાનનો હૉન્ગ કૉન્ગ સામે મુકાબલો છે અને જો ફાતિમા સનાની ટીમ એ મૅચમાં હારી જશે તો સ્પર્ધાની બહાર ફેંકાઈ જશે.
શનિવારે ભારત સામે પાકિસ્તાનની મહિલા ટીમ ટી-20 એશિયા કપમાં માત્ર પંચાવન રનમાં ઑલઆઉટ થઈ ગયા પછી સાત વિકેટે હારી ગઈ ત્યાર પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને વર્તમાન મહિલા ટીમના હેડ-કોચ વહાબ રિયાઝે કહ્યું છે કે `એશિયા કપનું ટાઇટલ તો પાકિસ્તાન જ જીતશે.'
ભારતીય ટીમ ત્રણેય લીગ મૅચ જીતીને થોડા દિવસ પહેલાં જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ પાકિસ્તાનની ટીમ હજી ડચકાં ખાઈ રહી છે. શનિવારે ભારત સામે પાકિસ્તાન (Pakistan)ની ટીમની બૅટિંગ લાઇન-અપ પત્તાંના મહેલની જેમ તૂટી પડી હતી.

ભારતીય ટીમ સામે ઢોર માર ખાધા પછી પણ પાકિસ્તાની ટીમના હેડ-કોચ વહાબ રિયાઝ (Wahab Riyaz) પોતાની ખેલાડીઓની નિષ્ફળતા સ્વીકારવા તૈયાર નથી અને કહ્યું છે કે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની જ ટીમ સૌથી સારી છે, કારણકે દુબઈમાં પિચ અને બીજી પરિસ્થિતિ પાકિસ્તાની ટીમની તરફેણમાં છે.