Tue Oct 06 2026

Logo

જન્માષ્ટમીના બીજા જ દિવસે કિશન-મોહનનો કરિશ્માઃ ઈસ્ટ ઝોનને ટ્રોફીની આશા અપાવી

2026-09-06 19:59:00
Author: Ajay Motiwala
જન્માષ્ટમીના બીજા જ દિવસે કિશન-મોહનનો કરિશ્માઃ ઈસ્ટ ઝોનને ટ્રોફીની આશા અપાવી

94 રનની ભાગીદારીથી ધબડકો રોક્યો, કૅપ્ટનની 111 નૉટઆઉટ સાથે 4,000 રનની સિદ્ધિઃ ઈસ્ટ ઝોનના ચાર વિકેટે 385 રન


ચેન્નઈઃ ભારતીય ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશને (111 નૉટઆઉટ, 135 બૉલ, એક સિક્સર, 14 ફોર) રાંચીના 21 વર્ષીય શિખર મોહન (85 રન, 120 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) સાથેની 94 રનની ભાગીદારીથી અહીં દુલીપ ટ્રોફી (Duleep trophy)ની સાઉથ ઝોન સામેની ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં પહેલા જ દિવસે ઈસ્ટ ઝોનને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું અને 13 વર્ષ પછીની પ્રથમ ટ્રોફી જીતવાની આશા અપાવી હતી.

ઈસ્ટ ઝોન 2012-'13ની સીઝનમાં સેન્ટ્રલ ઝોનને હરાવીને દુલીપ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું હતું. કિશને રવિવારે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10મી સદી ફટકારવાની સાથે કુલ 4,000 રન પણ પૂરા કર્યા હતા. પહેલા દિવસની રમતને અંતે ઈસ્ટ ઝોન (East Zone)નો સ્કોર 4/385 હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવાર-શનિવારે ભારતીયોએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો અને રવિવારે કિશન-મોહનની ભાગીદારીએ ઈસ્ટ ઝોનની આબરૂ સાચવી લીધી હતી.

બીજો ભારતીય બૅટ્સમૅન તિલક વર્મા સાઉથ ઝોનનો સુકાની છે અને રવિવારે સવારે થયેલા ટૉસમાં ઇશાન કિશને બૅટિંગ પસંદ કરવાનો જે નિર્ણય લીધો એ યોગ્ય સાબિત ઠર્યો હતો, કારણકે ખુદ કિશનની અણનમ સદી સાથેની કૅપ્ટન્સ ઇનિંગ્સ ઉપરાંત તેના બીજા ત્રણ સાથી ખેલાડીઓએ હાફ સેન્ચુરી ફટકારીને અને વૈભવ સૂર્યવંશી (44 રન, 37 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ ઉપયોગી ઇનિંગ્સથી ઈસ્ટ ઝોનને સારી સ્થિતિમાં લાવવામાં બનતું યોગદાન આપ્યું હતું. વૈભવ બે જ દિવસ પહેલાં 32મો જન્મદિન ઉજવનાર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ચમા મિલિંદના બૉલમાં પુલ શૉટ મારવા જતાં કૅચ આપી બેઠો હતો.


 
ઓપનિંગમાં વૈભવ અને 31મો જન્મદિન ઉજવનાર અભિમન્યુ ઈશ્વરન (72 રન, 86 બૉલ, એક સિક્સર, દસ ફોર) વચ્ચે 100 રનની ભાગીદારી થઈ ત્યાર પછી 147 રનના કુલ સ્કોર સુધીમાં ખુદ વૈભવ અને ઈશ્વરન સહિત કુલ ત્રણ વિકેટ પડી હતી, પરંતુ ત્યાર બાદ કિશન અને 85 રન બનાવનાર શિખર મોહન વચ્ચે ચોથી વિકેટ માટે 94 રનની તથા કિશન અને આઇપીએલમાં ગુજરાત તથા દિલ્હી વતી રમી ચૂકેલા કુમાર કુશાગ્ર (63 નૉટઆઉટ, 75 રન, પાંચ સિક્સર, ચાર ફોર) વચ્ચે 144 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

સાઉથ ઝોનના બોલર્સમાં મોહમ્મદ સિરાજનો દેખાવ સૌથી નિરાશાજનક હતો. તેને 96 રનમાં અને સ્પિનર શ્રેયસ ગોપાલને 77 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. ચમા મિલિંદને બે વિકેટ અને ત્રિપુરાણા વિજયને એક વિકેટ મળી હતી. ઈસ્ટ ઝોન પ્રથમ દાવમાં 4/385ના સ્કોર બાદ સોમવારે કેટલા રન બનાવશે એના પર સૌની નજર રહેશે. ત્યાર બાદ સાઉથ ઝોનના બૅટ્સમેન તિલક વર્મા, નારાયણ જગદીશન, રિકી ભુઈ, દેવદત્ત પડિક્કલ, શેખ રાશીદ, રવિચન્દ્રન સ્મરણ વગેરેની કસોટી થશે.