બેંગલુરુ: લંડન જઈ રહેલી વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટ ઉડાણ ભર્યાને થોડા સમય બાદ તેમાં ટેકનિકલ ખામી આવતા તેનું અહીંના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સીમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સૂત્રોએ આ જાણકારી આપી હતી. આ વિમાનમાં 270 મુસાફરો સવાર હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાને સવારે 8:20 વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને તુમકુરુ નજીક અડધા કલાકથી વધુ સમય માટે ચક્કર લગાવવાની ફરજ પડી હતી અને પછી સાવચેતીપૂર્વક બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, "પ્લેનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત છે." ટેકનિકલ ખામીના કારણ અંગે વિગતો ઉપલબ્ધ નથી અને અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલામતીના કારણોસર વિમાનને પરત બોલાવવામાં આવ્યું છે. વિમાને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં કયા પ્રકારની ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી તે હજુ સુધી સ્પષ્ટ નથી. આ ઘટના બાદ સંબંધિત અધિકારીઓ કારણની તપાસ કરી રહ્યા છે.
ઘટના અંગે વર્જિન એટલાન્ટિક તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દરમિયાન બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સૂત્રોએ વિમાન પરત ફરવા અને ઇમરજન્સી લેન્ડિંગની પુષ્ટી કરી છે.