Tue Oct 13 2026

Logo

રામાયણ: ‘જટાયુ’ના લુકમાં અનુપમ ખેરનો દમદાર અવાજ, ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ...

2026-10-13 19:53:01
Author: Mumbai Samachar Team
રામાયણ: ‘જટાયુ’ના લુકમાં અનુપમ ખેરનો દમદાર અવાજ, ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ...

મુંબઈ: રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ હવે જટાયુનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર આ પૌરાણિક પાત્રને પોતાનો અવાજ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. અગાઉ ફિલ્મનાં કેટલાંક પાત્રોનાં પોસ્ટરને લઈને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ જટાયુના પોસ્ટરે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

જટાયુના પાત્રએ જીત્યું દિલ 
નિર્માતાઓએ જટાયુના પોસ્ટર સાથે તેના સાહસ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને જાગૃત કરતો સંદેશ પણ શેર કર્યો છે. સંદેશનો ભાવ એવો છે કે જ્યારે દુષ્ટતાએ ઉડાન ભરી, ત્યારે તેનો સામનો કરવા સાહસ ઊભું થયું હતું. જટાયુએ વિજય મેળવવા માટે નહીં, પરંતુ સત્ય અને ન્યાયના પક્ષમાં લડાઈ લડી હતી. નિર્માતાઓએ જટાયુને ‘ધર્મની પાંખ’ તરીકે રજૂ કર્યો છે. પોસ્ટરમાં જટાયુની ગંભીર નજર અને ફેલાયેલી વિશાળ પાંખો તેના શૌર્ય અને શક્તિની ઝલક આપે છે. 

જટાયુના પાત્ર માટે અનુપમ ખેરના અવાજની પસંદગીએ પણ ફિલ્મ અંગેની ચર્ચાને વેગ આપ્યો છે. અનુપમ ખેર ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા છે અને તેમના અવાજ તથા અભિનયનો અનુભવ જટાયુ જેવા સાહસિક અને લાગણીસભર પાત્રને વિશેષ ઊંડાણ આપી શકે છે.

5 નવેમ્બરે રિલીઝ થશે 'રામાયણ' 
ફિલ્મની રિલીઝ અંગે પણ નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી ‘રામાયણ પાર્ટ 1’ હવે 5 નવેમ્બર, 2026ના વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના પેઇડ પ્રિવ્યૂ 4 નવેમ્બરે યોજાઈ શકે છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મનું એડવાન્સ બુકિંગ દશેરા એટલે કે 20 ઑક્ટોબર, 2026થી શરૂ થવાની માહિતી મળી છે. ફિલ્મને તમામ પ્રીમિયમ ફોર્મેટમાં રજૂ કરવાની તૈયારી છે.

'રામાયણ' ફિલ્મની સ્ટારકાસ્ટ 
‘રામાયણ’ની સ્ટારકાસ્ટ પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, અરુણ ગોવિલ, લારા દત્તા, વિવેક ઓબેરોય, રકુલ પ્રીત સિંહ, શોભના અને કુણાલ કપૂર સહિતના કલાકારો પણ ફિલ્મનો ભાગ છે. નિર્માતાઓ આ મહાકાવ્યને બે ભાગમાં રજૂ કરવાની યોજના ધરાવે છે. પ્રથમ ભાગ 2026માં અને બીજો ભાગ દિવાળી 2027ના અવસરે રિલીઝ કરવાની યોજના છે.

ફિલ્મનાં અગાઉનાં પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી, પરંતુ જટાયુના પોસ્ટરને ચાહકોએ આવકાર્યું છે. એક યુઝરે પોસ્ટરની પ્રશંસા કરતાં લખ્યું કે હવે આખરે સારા પોસ્ટર જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય એક યુઝરે તેને ‘માસ’ ગણાવ્યું હતું. કેટલાક ચાહકોએ તેને અત્યાર સુધીનું શ્રેષ્ઠ પોસ્ટર પણ ગણાવ્યું છે. હવે જટાયુના પાત્રને મળેલા પ્રતિસાદ બાદ દર્શકોની નજર ફિલ્મનાં અન્ય પાત્રો, ભવ્ય દૃશ્યો અને બોક્સ ઑફિસ પર તેના પ્રદર્શન પર ટકેલી છે.