હોર્મુઝ : દુનિયાના મહત્વના દરિયાઇ રસ્તે જહાજોની અવરજવર પર શુલ્ક લગાવવા સામે 60 દેશ એકસાથે આવ્યા છે. યૂરોપીય સંઘની પહેલ બાદ આ દશોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થનારા જહાજો પર ગેરકાયદે ટોલ લગાવવા અને તેમની અવરજવર રોકનારા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. 12 ઓક્ટોબરે થયેલી આ જાહેરાતમાં યૂરોપીય સંઘના સભ્ય દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન અને બ્રિટન સહિત અનેક દેશોએ સમર્થન આપ્યું છે.
આ દેશોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર સલામત અને અવરોધ વિનાની અવરજવર જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આ જાહેરાતમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પરથી કાયદેસર રીતે પસાર થતા જહાજો પર એવા કોઈ શુલ્ક (ફી) ન લાદવા જોઈએ, જે તેમની અવરજવરમાં અડચણ ઊભી કરે.
દેશોએ ગેરકાયદેસર ફી, ભેદભાવપૂર્ણ પ્રતિબંધો અને અગાઉથી મંજૂરી લેવા જેવી શરતોનો વિરોધ કર્યો છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ વડા કાજા કલાસે આ પહેલની જાહેરાત કરી હતી.
હોર્મુઝની સામુદ્રધૂની પર કેમ છે વિશ્વની નજર?
હોર્મુઝની સામુદ્રધૂની ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. અહીંથી ખાડી ક્ષેત્રનું તેલ અને કુદરતી વાયુ (નેચરલ ગેસ) દુનિયાના અલગ-અલગ દેશો સુધી પહોંચે છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં વિશ્વનો લગભગ પાંચમો ભાગ જેટલો ક્રૂડ તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આ જ માર્ગ પરથી પસાર થતો હતો
ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી નેવિગેશન, સુરક્ષા અને અન્ય સેવાઓના નામે શુલ્ક (ફી) વસૂલવાની યોજના આગળ વધારી હતી. આ પ્રસ્તાવથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને જહાજોની અવરજવરને લઈને ચિંતા વધી છે.
અસર માત્ર જહાજો પૂરતી સીમિત નથી
દરિયાઈ માર્ગો પર પ્રતિબંધો કે વધારાના શુલ્ક લાગવાથી માલવાહક ભાડું (ફ્રેઈટ ચાર્જ) મોંઘું થઈ શકે છે. તેની અસર તેલ અને ગેસના પુરવઠા, વેપાર તેમજ ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે. આ જ કારણે 60 દેશોએ દરિયાઈ માર્ગો ખુલ્લા રાખવા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.