Tue Oct 13 2026

Logo

વડોદરામાં બેંક લોન અપાવવાના  નામે લાખોની છેતરપિંડી, દિલ્હીથી બે લોકોની ધરપકડ

2026-10-13 19:30:00
Author: Chandrakant Kanoja
વડોદરામાં બેંક લોન અપાવવાના  નામે લાખોની છેતરપિંડી, દિલ્હીથી બે લોકોની ધરપકડ

ChaT GPT Image


વડોદરા : ગુજરાતના વડોદરામાં  બેંક લોન અપાવવાના નામે  લોકો સાથે રૂ. 23.67   લાખની છેતરપિંડી કરવાના બે અલગ-અલગ કેસમાં પોલીસે દિલ્હીથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં ભોગ બનેલા નાગરિકો સાથે અનુક્રમે રૂ.18.38 લાખ અને રૂ. 5.29 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. 

તપાસના  તાર દિલ્હી પહોંચ્યા 

વડોદરા પોલીસે ફરિયાદના આધારે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં ઉપયોગમાં લેવામાં આવેલા મોબાઇલ નંબર અને ઇમેલ આઈડીની તપાસ કરી હતી. જેના તાર દિલ્હી પહોંચ્યા હતા. જેની બાદ પોલીસે કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી હતી. તેમજ તપાસ માટે વડોદરા લાવવામાં આવ્યા છે. 

 ટેલિકોલર્સને નોકરી પર રાખ્યા હતા 

વડોદરા સાયબર ક્રાઇમના જણાવ્યા અનુસાર આ કેસમાં ભોગ બનનારનો સંપર્ક કરીને  લોનના વ્યાજ અને ટોપ-અપની પ્રક્રિયા સહિતનાં જુદાં-જુદાં બહાનાં હેઠળ નાણાં પડાવવામાં આવતાં હતા. તેમજ  બનાવટી ઈમેલ દ્વારા એનઓસી પણ મોકલવામાં આવતું હતું. જેની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે  દિલ્હીમાં ઓફિસ જેવો સેટઅપ ઊભો કરીને ટેલિકોલર્સને નોકરી પર રાખવામાં આવ્યા હતા. 

સાત મોબાઇલ ફોન, બે લેપટોપ જપ્ત 

પોલીસે આ કેસમાં જીતેન્દ્રકુમાર લાલચંદ્ર મૌર્ય, ઉંમર 29 વર્ષ, મૂળ નોઈડા, ઉત્તર પ્રદેશ અને અભિષેકકુમાર વિમલકુમાર જે પૂર્વ દિલ્હીના રહેવાસીની ધરપકડ કરી છે.પોલીસે દિલ્હીમાં કાર્યવાહી દરમિયાન સાત મોબાઇલ ફોન, બે લેપટોપ, બે રાઉટર, છ સિમ કાર્ડ, બે પાસબુક અને એક ચેકબુક જપ્ત કર્યાં હતા. જોકે, આ કેસમાં અન્ય લોકોની ભૂમિકા અને છેતરપિંડીની સમગ્ર પદ્ધતિ અંગે તપાસ ચાલી રહી છે.