Tue Oct 13 2026

Logo

આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ (AePS) મારફતે ચાવડકાના વૃદ્ધ ખેડૂતના ખાતામાંથી ₹1.10 લાખ સેરવી લીધા

2026-10-13 15:07:00
Author: Mumbai Samachar Team
આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ (AePS) મારફતે ચાવડકાના વૃદ્ધ ખેડૂતના ખાતામાંથી ₹1.10 લાખ સેરવી લીધા

Chat GPT Generated Image


ભુજ: ડિજિટલ યુગમાં સાયબર ઠગ ટોળકીઓ દ્વારા રોજબરોજ અવનવા નુસખા અજમાવી લોકોને લૂંટવામાં આવી રહ્યા છે, ત્યારે આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ (AePS)નો દુરુપયોગ કરી નખત્રાણા તાલુકાના ચાવડકા ગામના એક 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતના બેંક ખાતામાંથી રૂપિયા 1,10,000ની રકમ બારોબાર સેરવી લેવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, ચાવડકા ગામે રહેતા 71 વર્ષીય ખેડૂત દાદુભા ખીમાજી જાડેજા વિથોણ સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં પોતાનું બચત ખાતું ધરાવે છે. આશરે પંદરેક દિવસ પૂર્વે તેમણે બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવી ઘરે મૂકી રાખી હતી. ગત તા. 8 ઓક્ટોબરના રોજ તેમના પુત્ર પ્રવીણસિંહે પિતાની પાસબુક તપાસતાં તેમાં ગત તા. 30-10-2025 થી 14-04-2026 દરમિયાન 10-10 હજાર રૂપિયાના કુલ 11 ટ્રાન્ઝેક્શન મારફતે ₹1,10,000 ઉપડી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ અંગે પુત્રએ પિતાને પૂછતાં તેમણે પોતે કોઈપણ પ્રકારના નાણાં ઉપાડ્યા ન હોવાનું જણાવ્યું હતું. પોતાની સાથે અજાણતામાં મોટો આર્થિક ફ્રોડ થયો હોવાનું સ્પષ્ટ થતાં પરિવારે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ઓનલાઇન ફરિયાદ દાખલ કરાવી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, કોઈ અજાણ્યા સાયબર ઠગબાજે કોમ્પ્યુટર રિસોર્સ કે બાયોમેટ્રિક ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ (AePS) મારફતે આ રકમ સેરવી લીધી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે નખત્રાણા પોલીસ મથકે પહોંચી વિધિવત્ ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા ભેજાંબાજ વિરુદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય