અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા તથા કેટલીક બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. દેવભૂમિ દ્વારકાની ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. ભાડથર જિલ્લા પંચાયત સીટ પર AAP ની જીત પર AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, ભાડથરમાં AAP ની ઐતિહાસિક જીત પુરાવો છે કે ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ હવે AAP સાથે મજબૂતીથી જોડાઈ રહ્યો છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને ન્યાય ન આપનારી ભાજપ સરકારને ખેડૂતોએ જડબાતોડ જવાબ આપ્યો.
કેટલા મતથી થઈ જીત
7 રાઉન્ડના અંતે મતગણતરી પૂર્ણ થતાં AAPના ઉમેદવાર વીરૂ કંડોરિયાએ 3651 મતોની જંગી સરસાઈથી વિજય મેળવી ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. ભાજપના અગ્રણી નેતા સ્વ. ડૉ. પી. વી. કંડોરિયાના નિધન બાદ ભાડથર જિલ્લા પંચાયત બેઠક ખાલી પડી હતી, જેના પગલે પેટાચૂંટણી યોજાઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ વીરૂ કંડોરિયાએ લીડ જાળવી રાખી હતી અને આખરે સાતેય રાઉન્ડની ગણતરી પૂર્ણ થતાં તેમણે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો.
भाड़थर जिला पंचायत उपचुनाव में आम आदमी पार्टी की ऐतिहासिक जीत इस बात का प्रमाण है कि गुजरात के किसानों का भरोसा अब AAP के साथ मज़बूती से जुड़ रहा है। दुष्काल जैसी स्थिति में किसानों को न्याय न देने वाली भाजपा सरकार को किसानों ने करारा जवाब दिया है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2026
જીત બાદ કોને યાદ કર્યા
જીતની સત્તાવાર જાહેરાત થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ઐતિહાસિક વિજય બાદ વીરૂ કંડોરિયાએ સ્વ. ડૉ. પી. વી. કંડોરિયાને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પોતાના સંબોધનમાં વીરૂ કંડોરિયાએ જણાવ્યું હતું કે, આ જીત મારી વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર જનતા અને ખેડૂતોની જીત છે. તેમણે આ વિજયને વિસ્તારના ખેડૂતો, ગરીબો અને વંચિત વર્ગના લોકોને સમર્પિત કર્યો હતો.
આ સાથે જ તેમણે ભાડથર બેઠક હેઠળ આવતા તમામ 14 ગામોના મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે તેઓ તમામ ગામોના નાગરિકો સાથે ખભેખભો મિલાવીને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે. ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટીની આ જીતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
ઈસુદાન ગઢવીએ શું કહ્યું
ભાડથર જિલ્લા પંચાયતમાં આપની જીત બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાડથર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત એ ગુજરાતના ખેડૂતો, ભાગિયા, મજૂરો અને શ્રમિકોની જીત છે! આ જીતે ભાજપની જાતિવાદની રાજનીતિ અને અહંકાર સામે જનતાનો અવાજ બુલંદ કર્યો છે. કોંગ્રેસને માત્ર 500 મત મળતાં જનતાએ કોંગ્રેસ અને ભાજપની મિલીભગત અંગે પણ પોતાનો સંદેશ આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના આજે જાહેર થયેલી ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નહોતી. 44 બેઠકમાંથી ભાજપને 38, કૉંગ્રેસને 5 તથા અપક્ષને 1 બેઠક મળી હતી.