Mon Oct 12 2026

Logo

રિઝર્વ બૅન્કના પગલાંને ટેકે ડૉલર સામે રૂપિયામાં છ મહિનાનો સૌથી મોટો 93 પૈસાનો ઉછાળો

2026-10-12 19:49:47
Author: Ramesh Gohil
રિઝર્વ બૅન્કના પગલાંને ટેકે ડૉલર સામે રૂપિયામાં છ મહિનાનો સૌથી મોટો 93 પૈસાનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે ડેરિવેટીવ્સનાં નિયમો તંગ કરવા સહિતનાં પગલાંઓ લીધા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ મહિનાનો સૌથી મોટો એક દિવસીય 93 પૈસાનો ઉછાળો આવ્યો હતો અને 95.78ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કના આ પગલાંઓ આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયાને ટેકો આપતા સુધારો જોવા મળશે, પરંતુ સુધારાનો આધાર મુખ્યત્વે ક્રૂડ તેલના વૈશ્વિક ભાવ, મૂડીગત પ્રવાહ અને વૈશ્વિક બજારોની સ્થિતિ પર અવલંબિત રહેશે. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 96.71ના બંધ સામે મજબૂત અન્ડરટોને 95.61ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.96 અને ઉપરમાં 95.57ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ છ મહિના પછીનાં સૌથી મોટા 93 પૈસાના ઉછાળા સાથે 95.78ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે અગાઉ ગત બીજી એપ્રિલના રોજ રૂપિયામાં 166 પૈસાનો ઉછાળો આવ્યો હતો. 

નોંધનીય બાબત એ છે કે ગત શનિવારે રિઝર્વ બૅન્કે ફોરેક્સ ડેરિવેટીવ્સમાં સટ્ટાકીય પ્રવૃત્તિ નાથવા માટે બૅન્કોને 20 લાખ ડૉલરથી વધુ ખરીદી સામે 20 ટકા રિઝર્વ તૈયાર કરવા જણાવ્યું હતું. તેમ જ અન્ય પગલાંમાં રિઝર્વ બૅન્કે ફોરેન એક્સચેન્જ ડેરિવેટીવ્સમાં ભારતીય રૂપિયાનાં ડિલિવરેબલ અથવા નોન ડિલિવરેબલ કોન્ટ્રાક્ટમાં ઑથોરાઈઝડ ડીલરોને નવાં કોન્ટ્રાક્ટ લેવાની મંજૂરી ન આપવા જણાવ્યું હતું. 

નિષ્ણાતોના મતાનુસાર નિયુક્ત બૅન્કો દ્વારા ઑઈલ માર્કેટિંગ કંપનીઓ માટે સમર્પિત ડૉલર વિન્ડો અને ચોક્કસ વિદેશી વિનિમય હેજિંગ વ્યવહારો માટે ઊંચો ખર્ચ થતાં તે હાજર બજારમાં ડૉલરની માગ ઘટાડવા અને રૂપિયા સામેની સટ્ટાકીય સ્થિતિને અંકુશમાં રાખવા મદદરૂપ થઈ શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.17 ટકા વધીને 102.38 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.94 ટકા વધીને બેરલદીઠ 105.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 547.65 પૉઈન્ટનો અને 157.10 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3568.90 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં ઉછાળો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.