Sun Oct 11 2026

Logo

'રામાયણ’ની રિલીઝ ડેટ જાહેર! રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ફિલ્મ 5 નવેમ્બરે વિશ્વભરમાં થશે રિલીઝ...

2026-10-11 21:36:37
Author: Mumbai Samachar Team
'રામાયણ’ની રિલીઝ ડેટ જાહેર! રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ફિલ્મ 5 નવેમ્બરે વિશ્વભરમાં થશે રિલીઝ...

Ramayana: Part 1


મુંબઈ: રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ વન’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ નવરાત્રિના પ્રથમ દિવસે નવું પોસ્ટર રજૂ કરીને જાહેરાત કરી છે કે આ ફિલ્મ 5 નવેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખને લઈને ચાલી રહેલી અટકળો પર હવે આ જાહેરાતના પગલે પૂર્ણવિરામ મૂકાયું છે. 

નિર્માતાઓએ રજૂ કરેલા નવા પોસ્ટરમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, રવિ દુબે લક્ષ્મણ અને યશ રાવણના પાત્રમાં જોવા મળે છે. પોસ્ટરમાં રાવણને પાછળના ભાગમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ આગળ દેખાય છે. પોસ્ટર સાથે નિર્માતાઓએ ‘યે રામ કે યુગ કા આરંભ હૈ’ સંદેશ પણ આપ્યો છે. 

ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ‘રામાયણ: પાર્ટ વન’નું એડવાન્સ બુકિંગ દશેરાના દિવસે શરૂ થશે. ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું છે. આ મહાકાવ્ય પર આધારિત ફિલ્મ બે ભાગમાં રજૂ કરવાની યોજના છે. પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે, જ્યારે બીજા ભાગને દિવાળી 2027 દરમિયાન રિલીઝ કરવાની યોજના છે. 

ફિલ્મમાં સની દેઓલ હનુમાનના પાત્રમાં પણ જોવા મળશે. નિર્માતાઓ આ ફિલ્મને ભવ્ય સિનેમેટિક રૂપમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેને આઈમેક્સ સહિતના પ્રીમિયમ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે. ‘રામાયણ’ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત બાદ હવે દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે.