Sat Oct 10 2026

Logo

દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ...

2026-10-10 20:00:09
Author: Ramesh Gohil
દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ...

1થી 10 ઑક્ટોબરમાં મલયેશિયાની પામતેલના ઉત્પાદનોની નિકાસ 33.5 ટકા વધી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં સાધારણ 10 સેન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહનો અંત અને બૅન્કો પણ બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં હાજરમાં દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું. આજે ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. 1થી 10મી ઑક્ટોબર દરમિયાન મલયેશિયાની પામતેલનાં ઉત્પાદકોની નિકાસ આગલા સપ્ટેમ્બર મહિનાના સમાનગાળાના 3,93,295 ટન સામે 33.5 ટકાના વધારા સાથે  5,25,071 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું. 

સ્થાનિકમાં આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1420, સોયા રિફાઈન્ડના ઑક્ટોબર અને નવેમ્બર ડિલિવરી શરતે અનુક્રમે રૂ. 1440 અને રૂ. 1145 તથા સન રિફાઈન્ડના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1660, પતંજલિ ફૂડ્સના નવેમ્બર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1440, સોયા રિફાઈન્ડના રૂ. 1455 અને સન રિફાઈન્ડના રૂ. 1615, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1445, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1435થી 1440, મહેશ ઑઈલ રિફાઈનરીના સોયા રિફાઈન્ડના રૂ. 1430, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1420 અને નવેમ્બર ડિલિવરી શરતે રૂ. 1435 અને સન રિફાઈન્ડના નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી ડિલિવરી શરતે અનુક્રમે રૂ. 1585, રૂ. 1595 અને રૂ. 1600 અને જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1421 અને સોયા રિફાઈન્ડના રૂ. 1431 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો છૂટાછવાયા હતા. 

આજે ગુજરાતનાં ગોંડલ મથકે મગફળીની 23,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1400થી 1725માં અને રાજકોટ મથકે 10,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1700માં થયા હતા. તેમ જ ગોંડલ મથકે 10 કિલોદીઠ વૉશ્ડ કૉટનના વેપાર રૂ. 1480થી 1485માં, પામતેલના રૂ. 1405માં અને સોયા રિફાઈન્ડના રૂ. 1410માં થયાના અહેવાલ હતા. તેમ જ આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1450, સોયા રિફાઈન્ડના રૂ. 1465, સન રિફાઈન્ડના રૂ. 1650, સિંગતેલના રૂ. 1720, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1570 અને સરસવના રૂ. 1815ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.