Sat Oct 10 2026

Logo

વિરાટ, રોહિત, સૂર્યા, ભુવી, શમી, આકિબ નબી અને સરફરાઝ વિશે આગરકરે લીધેલા નિર્ણયો વિશે વસીમ જાફરે ઉઠાવ્યા સવાલ...

2026-10-10 20:17:07
Author: Ajay Motiwala
વિરાટ, રોહિત, સૂર્યા, ભુવી, શમી, આકિબ નબી અને સરફરાઝ વિશે આગરકરે લીધેલા નિર્ણયો વિશે વસીમ જાફરે ઉઠાવ્યા સવાલ...

નવી દિલ્હીઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ ચીફ સિલેક્ટર તરીકેની ત્રણ વર્ષની મુદત પૂરી કરનાર અજિત આગરકરના સ્થાને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને કાર્યકારી મુખ્ય પસંદગીકાર બનાવ્યો છે એટલે ભારતીય ક્રિકેટમાં આવનારા સમયમાં નવા પરિવર્તનો જોવા મળશે, પરંતુ આગરકરે છેલ્લા ત્રણ વર્ષમાં લીધેલા કેટલાક નિર્ણયો સામે તેના જ ભૂતપૂર્વ સાથી ખેલાડી અને ભારતની ડોમેસ્ટિક ક્રિકેટના બૅટિંગ-લેજન્ડ વસીમ જાફરે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ખાસ કરીને વિરાટને ત્રણેય ફૉર્મેટમાં ટેસ્ટ-ક્રિકેટ સૌથી વધુ પસંદ હતી, પણ તેણે કદાચ અનિચ્છાએ મે, 2025માં ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરવી પડી હતી.

જાફર (Jaffer) વર્ષો પહેલાં આગરકર સાથે ભારત વતી અને મુંબઈ વતી રમ્યો હતો. જાફરે ટેસ્ટ-ક્રિકેટ તેમ જ મુંબઈ, વિદર્ભ અને પશ્ચિમ ઝોન વતી રમેલી ડોમેસ્ટિક મૅચોમાં કુલ મળીને 19,410 રન બનાવ્યા હતા.

કહેવાય છે કે રોહિત શર્માને 2027ના વર્લ્ડ કપ સુધી વન-ડે ટીમમાં જાળવવો કે નહીં એ મુદ્દે બીસીસીઆઇ અને આગરકર વચ્ચે મતભેદ હતા. રોહિતને ઑક્ટોબર, 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી વન-ડે ટીમમાં રહેવા બાબતમાં બીસીસીઆઇનો મજબૂત ટેકો છે. જોકે આગરકરનો મત એ હતો કે યુવા ખેલાડીઓને સમાવીને ભારતની નવી જ વન-ડે ટીમ બનાવવાની જરૂર છે. જોકે વાસ્તવમાં દરેક ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓના સમાવેશ સાથે ટીમને સંતુલિત બનાવવાની જરૂર હોય છે. ઉલ્લેખનીય છે કે વિરાટે અને રોહિતે ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

જાફરે આગરકરના કયા નિર્ણયો સામે પ્રશ્ન ઉઠાવ્યા?

આગરકરને ચીફ સિલેક્ટર તરીકેની મુદત માટે દસમાંથી સાત માર્ક આપનાર જાફરે જાણીતા ખેલાડીઓ બાબતમાં એક મુલાકાતમાં આ મુજબ કહ્યું છેઃ `મને લાગે છે કે વિરાટ સાથે સારો વ્યવહાર નહોતો થયો. તેની પ્રતિભા જ એવી છે કે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો તેને રમતો જોવા સ્ટેડિયમ સુધી આકર્ષિત થતા હોય છે. તે વધુ ટેસ્ટ મૅચો રમી શક્યો હોત, પણ જ્યાં સુધી તેના મોઢે હકીકત સાંભળવા નહીં મળે ત્યાં સુધી સત્ય બહાર આવવાનું જ નથી. તે ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટૂર પર જવાની તૈયારીમાં પણ હતો. આગરકર (Agarkar) કેટલીક બાબતોને (અમુક ખેલાડીઓ બાબતમાં) સ્થિતિને સારી રીતે સંભાળી શક્યો હોત.

ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી ગયા ત્યાર બાદ રોહિત શર્માને કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો. મારું માનવું છે કે રોહિતને 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી કૅપ્ટનપદે રાખવો જોઈતો હતો. ટી-20નો વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમના કૅપ્ટનપદેથી હટાવવા ઉપરાંત ટીમમાંથી જ પડતો મૂકવામાં આવ્યો હતો. ભુવનેશ્વર કુમાર કેમ ટી-20 ટીમમાં નથી? મોહમ્મદ શમી ક્યાં છે? (તે કેમ ટીમમાં નથી?) સરફરાઝ ખાન અને આકિબ નબી સાથે પણ જે બન્યું છે એ ઠીક ન કહેવાય. જોકે આગરકર આકરા નિર્ણયો લેવા માટે જાણીતો છે.'

હેડ-કોચ અને ચીફ સિલેક્ટરને વર્ષે કેટલા પૈસા મળે?

બીસીસીઆઇ વિશ્વભરના તમામ ક્રિકેટ બોર્ડમાં સૌથી શ્રીમંત છે. એવું મનાય છે કે ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચને વર્ષે લગભગ 12 કરોડ રૂપિયાનું અને ચીફ સિલેક્ટરને વર્ષે ત્રણ કરોડ રૂપિયાથી વધુ મહેનતાણું મળે છે. અજિત આગરકરે ચોથી ઑક્ટોબરે ત્રણ વર્ષની મુદત પૂરી કરી હતી.