અમદાવાદમાં પાર્થિવ સાથે રમ્યોઃ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 10,432 રન કર્યાઃ પુત્રનું સપનું પૂરું કરવા પિતા પરિવારને ન્યૂ ઝીલૅન્ડમાં લાવ્યા હતા
ઑકલૅન્ડઃ ગુજરાતમાં જન્મેલા અને ન્યૂ ઝીલૅન્ડ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર બ્રાહ્મણ સમાજના જીત અશોક રાવલે શુક્રવારે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) જાહેર કરી એને પગલે તેની કરીઅર વિશેની રસપ્રદ વાતો જાણવા મળી હતી જેમાંની એક બાબત એવી હતી કે તે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ મૅચો રમ્યો હતો, પરંતુ તેને ક્યારેય માતૃભૂમિ ભારત સામે ક્યારેય નહોતું રમવા મળ્યું.
જીત રાવલ (Jeet Raval) 38 વર્ષનો છે. તે ન્યૂ ઝીલૅન્ડ વતી 2016થી 2020 દરમ્યાન 24 ટેસ્ટ રમ્યો હતો જેમાં તેણે એક સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરીની મદદથી કુલ 1,143 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ સહિતની પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 164 મૅચમાં 24 સેન્ચુરી અને 50 હાફ સેન્ચુરીની મદદથી 10,432 રન કર્યા હતા.
જીત રાવલ ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાયી થયો એ પહેલાં અમદાવાદમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલ સાથે વિદ્યાનગર સ્કૂલ વતી ઓપનિંગમાં રમ્યો હતો. જોકે નાનપણથી જીતનું સપનું ન્યૂ ઝીલૅન્ડ વતી રમવાનું હતું. તેના પિતા અશોક રાવલની પણ એવી જ ઇચ્છા હતી. અશોક રાવલે તક મળતાં પરિવારને ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાયી કરાવ્યો હતો અને કિવીલૅન્ડ વતી રમવાનું પુત્રનું સપનું સાકાર થવાની ત્યારથી શરૂઆત થઈ હતી.
જીત રાવલે 2008માં ઑકલૅન્ડ વતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું ત્યારે મિડલ-ઑર્ડરમાં રમ્યો હતો, પણ પછીથી ઓપનર બની ગયો હતો. તે ન્યૂ ઝીલૅન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં 292માંથી 285 ઇનિંગ્સમાં ઓપનિંગમાં રમ્યો હતો અને 23 સદી સહિત 10,0000-પ્લસ રન કર્યા હતા.