Fri Oct 09 2026

Logo

રવીન્દ્ર જાડેજા ટેસ્ટની પૂર્વતૈયારી માટે રણજીમાં રમશે, સૌરાષ્ટ્રની ટીમ વધુ મજબૂત થઈ

2026-10-09 21:18:39
Author: Ajay Motiwala
રવીન્દ્ર જાડેજા ટેસ્ટની પૂર્વતૈયારી માટે રણજીમાં રમશે, સૌરાષ્ટ્રની ટીમ વધુ મજબૂત થઈ

રાજકોટઃ રવિવાર, 11મી ઑક્ટોબરે શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની નવી સીઝનની પ્રથમ મૅચમાં પીઢ સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) રમશે જેને પગલે સૌરાષ્ટ્ર (Saurashtra)ની ટીમ વધુ મજબૂત થઈ છે. બે વખત ચૅમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમના કૅપ્ટનપદે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને જાળવી રાખવામાં આવ્યો છે. તે તાજેતરમાં જ ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં સસેક્સ વતી રમીને 28 વિકેટના પર્ફોર્મન્સ સાથે પાછો આવ્યો છે. પેસ બોલિંગમાં તેને ચેતન સાકરિયાનો સાથ મળશે.

સૌરાષ્ટ્ર-છત્તીસગઢની રણજી મૅચ રવિવારે (સવારે 9.30 વાગ્યે) શરૂ થશે. ભારતે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી જીતેલી વન-ડે સિરીઝમાં જાડેજા રમ્યો હતો. જોકે બે મૅચમાં તે બે વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તેને બૅટિંગ કરવાનો મોકો નહોતો મળ્યો.

જાડેજા હવે રેડ-બૉલથી રમાતી રણજી મૅચમાં રમીને ટેસ્ટ-શ્રેણી માટેની થોડી મૅચ-પ્રૅક્ટિસ કરી લેશે. વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ 19મી ઑક્ટોબરે શરૂ થશે. ત્યાર બાદ બીજી અને અંતિમ ટેસ્ટ 27મી ઑક્ટોબરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ગઈ રણજી સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમ વહેલી બહાર થઈ ગઈ હતી. આ વખતે તેના ગ્રૂપ-બીમાં આંધ્ર, આસામ, છત્તીસગઢ, હૈદરાબાદ, કર્ણાટક, પંજાબ અને ત્રિપુરા છે. 11મી ઑક્ટોબરથી પણજીમાં ગોવાની મૅચ બરોડા સામે રમાશે, જ્યારે અમદાવાદમાં ગુજરાત-ઓડિશા ટકરાશે.

સૌરાષ્ટ્રની ટીમઃ જયદેવ ઉનડકટ (કૅપ્ટન), રવીન્દ્ર જાડેજા, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, જય ગોહિલ, ચેતન સાકરિયા, અંકુર પન્વાર, સમ્મર ગજ્જર, પાર્થ ભુત, વિશ્વરાજસિંહ જાડેજા, હેત્વિક કોટક, નીલ પંડ્યા, અર્થ યાદવ અને તરંગ ગોહેલ.