Fri Oct 09 2026

Logo

નાના પાટેકરના નિધન બાદ કેમ નોંધાયો Unnatural Deathનો કેસ? ગોવા પોલીસની કાર્યવાહી પાછળનું કારણ આવ્યું સામે...

2026-10-09 20:41:02
Author: Darshana Visaria
નાના પાટેકરના નિધન બાદ કેમ નોંધાયો Unnatural Deathનો કેસ? ગોવા પોલીસની કાર્યવાહી પાછળનું કારણ આવ્યું સામે...

હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar)ના ગોવા સ્થિત નિવાસસ્થાને 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે થયેલા અવસાન બાદ હવે કાનૂની પ્રક્રિયાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. ગોવાની પણજી પોલીસે નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ 'અકુદરતી મોત' (Unnatural Death)નો કેસ નોંધ્યો છે. જોકે, પોલીસ દ્વારા જ્યારે આ રીતે અનનેચરલ ડેથનો કેસ નોઁધવામાં આવે છે ત્યારે હંમેશા એની પાસે કોઈ રહસ્ય ઘૂંટાતું હોય છે? ચાલો આ પાછળની સ્ટોરી જાણીએ... 

પોલીસ રેકોર્ડ અનુસાર નાના પાટેકરને ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાનેથી બાંબોલિમની મણિપાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત અવસ્થામાં હતા. આ મામલાની આગળની ઓફિશિયલ તપાસ પીએસઆઈ નીતિન નાઈકની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, નાના પાટેકરને જ્યારે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. કાયદાકીય નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિનું નિધન હોસ્પિટલ બહાર થાય અને તેને મૃત હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવે, તો હોસ્પિટલ વહીવટીતંત્રે પોલીસને જાણ કરવી ફરજિયાત હોય છે. આથી પોલીસે નિયમ મુજબ તેને 'મેડિકો-લીગલ કેસ' (MLC) ગણી અકુદરતી મોત તરીકે નોંધ્યો હતો.

કાનૂની નિષ્ણાતો અને પોલીસના જણાવ્યા મુજબ, અકુદરતી મોતનો કેસ નોંધવાનો અર્થ એવો બિલકુલ નથી કે મૃત્યુ કોઈ શંકાસ્પદ કે ગુનાહિત સંજોગોમાં થયું છે. આ માત્ર મૃત્યુનું ચોક્કસ કારણ અને સ્થિતિઓ સત્તાવાર રીતે દસ્તાવેજીકરણ કરવાની એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રક્રિયા છે. 

પ્રાથમિક કારણ અને જીએમસીમાં પોસ્ટમોર્ટમ

પ્રાથમિક તપાસ મુજબ નાના પાટેકરનું અવસાન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ અગાઉથી હાર્ટ સંબંધિત તકલીફોથી પીડાતા હતા અને તેમની નિયમિત દવાઓ પણ ચાલુ હતી. મેડિકો-લીગલ પ્રક્રિયાના ભાગરૂપે મૃત્યુના ચોક્કસ તબીબી કારણની પુષ્ટિ કરવા માટે ગોવા મેડિકલ કોલેજ ખાતે તેમનો પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પુણેના ડોંજે ગામ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

લીગલ પ્રોસિઝર કમ્પલિટ થયા બાદ પાર્થિવ શરીરને મહારાષ્ટ્રના પુણે ગ્રામીણ સ્થિત તેમના વતન ડોંજે ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગુરુવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પુત્ર મલ્હાર પાટેકરે તેમને મુખાગ્નિ આપી હતી. સમગ્ર દેશ અને ફિલ્મ જગતના અગ્રણીઓએ આ મહાન કલાકારને ભાવભીની અંજલિ આપી હતી.