Fri Oct 09 2026

Logo

મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20 વધ્યા, વેપારો છૂટાછવાયા

2026-10-09 19:40:35
Author: Ramesh Gohil
મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20 વધ્યા, વેપારો છૂટાછવાયા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 69 રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 28 સેન્ટનો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલો વચ્ચે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો છૂટાછવાયા રહેતાં એકંદરે દેશી-આયાતી તેલમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે લૂઝમાં ભાવ 10 કિલોદીઠ રૂ. 25 વધી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ 10 કિલોદીઠ સિંગતેલના ભાવમાં રૂ. 20નો સુધારો આવ્યો હતો. આ સિવાય મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડ અને સરસવમાં પણ અનુક્રમે રૂ. 10 અને રૂ. પાંચ વધી આવ્યા હતા. આ સિવાય આયાતી તેલમાં શિકાગો પાછળ સોયા તેલના ભાવમાં રૂ. 15નો સુધારો આવ્યો હતો, જ્યારે મલયેશિયા પાછળ આરબીડી પામોલિનમાં રૂ. પાંચ ઘટી આવ્યા હતા. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1420 અને સન રિફાન્ડના રૂ. 1640 અને નવેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1440, મહેશ ઑઈલ રિફાઈનરીના સોયા રિફાઈન્ડના રૂ. 1435, ઈમામીના ડિસેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1450, ગોલ્ડન એગ્રીના આબીડી પામોલિનના રૂ. 1450, પતંજલિ ફૂડ્સના નવેમ્બર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1440, સોયા રિફાઈન્ડના રૂ. 1467 અને સન રિફાઈન્ડના રૂ. 1617, રિલાયન્સ રિટેલના જાન્યુઆરી ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1480 અને જી-વનના નવેમ્બર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1421 અને સોયા રિફાઈન્ડના રૂ. 1431 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે વેપારો છૂટાછવાયા રહ્યા હતા. 

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 23,000 ગૂણીની અને રાજકોટ મથકે 7500 ગૂણીની આવક સામે બન્ને મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1400થી 1725માં થયા હતા. તેમ જ આજે મઘ્ય પ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે 3.25 લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 6200થી 6500માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 6500થી 6600માં થયા હતા. 

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1450, સોયા રિફાઈન્ડના રૂ. 1465, સન રિફાઈન્ડના રૂ. 1650, સિંગતેલના રૂ. 1720, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1570 અને સરસવના રૂ. 1815ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.