Fri Oct 09 2026

Logo

અમદાવાદના નિકોલમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 1.27 કરોડનું ફુલેકું ફેરવ્યું: 100 જેટલા રોકાણકારો ભોગ બન્યા

2026-10-09 20:18:17
Author: Mayur Patel
અમદાવાદના નિકોલમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 1.27 કરોડનું ફુલેકું ફેરવ્યું: 100 જેટલા રોકાણકારો ભોગ બન્યા

અમદાવાદઃ શહેરમાં શેરબજારમાં રોકાણના નામે વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નિકોલ વિસ્તારમાં ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્શનમાં માસિક 2થી 2.5 ટકા ઊંચા વળતર તેમજ બે વર્ષમાં નાણાં બેથી ત્રણ ગણા કરવાની લાલચ આપી આશરે 100 જેટલા રોકાણકારો સાથે રૂ. 1.27 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. નાણાં પરત માંગતાં ટ્રેડિંગમાં રૂપિયા ડૂબી ગયા છે તેમ કહી હાથ ઊંચા કરી દેનારા ચાર ભેજાબાજો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં  ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નિકોલમાં રહેતા અને કન્સ્ટ્રક્શનમાં સબ-કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રજનીકાંત રામાણી અને અન્ય રોકાણકારોને વિરાટ હસમુખ પરમાર અને તેના ભાગીદાર અલ્કેશપુરી ગોસ્વામીએ પોતાની કંપનીમાં રોકાણ કરવા લલચાવ્યા હતા. આરોપીઓએ બેંકો કરતાં અનેક ગણું વળતર આપવાનું આશ્વાસન આપી જણાવ્યું હતું કે તેઓ શેરબજારના એફએન્ડઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરી દર મહિને 2થી 2.5 ટકા જેટલું ફિક્સ વળતર આપશે અને માત્ર બે જ વર્ષમાં મૂડી 2થી 3 ગણી થઈ જશે.

આકર્ષક વળતરની જાળમાં ફસાઈને ફરિયાદી રજનીકાંતભાઈએ ડિસેમ્બર 2025માં પોતાની પેઢી અને અંગત ખાતામાંથી રૂ. 10 લાખ કંપનીના ખાતામાં જમા કરાવ્યા હતા. આ જ રીતે તેમના પરિચિતો, સગા-સંબંધીઓ સહિત આશરે 100 લોકો પાસેથી આરોપીઓએ કુલ રૂ. 1.27 કરોડનું જંગી રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોનો ભરોસો ટકી રહે તે માટે આરોપીઓએ શરૂઆતના કેટલાક મહિના સુધી નિયમિત વળતરની ચૂકવણી પણ કરી હતી.

જોકે, થોડા સમય બાદ આરોપીઓએ અચાનક વળતર આપવાનું બંધ કરી દીધું હતું. માર્ચ 2026માં જ્યારે રોકાણકારોએ પોતાની મૂડી પરત મેળવવા વિરાટ પરમાર અને અલ્કેશપુરી પર દબાણ કર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓએ રોકાણકારોના તમામ નાણાં પોતાના મળતિયા એવા ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણના અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી સગેવગે કરી દીધા હતા. ભાર્ગવ અને ધર્મેશે પણ શરૂઆતમાં સામાન્ય વળતર ચૂકવ્યા બાદ ફેબ્રુઆરી 2026થી તમામ ચૂકવણી અટકાવી દીધી હતી અને ટ્રેડિંગમાં તમામ નાણાં ગુમાવી દીધાનું બહાનું કાઢી હાથ અધ્ધર કરી દીધા હતા. જે બાદ તેમને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.