Fri Oct 09 2026

Logo

અમદાવાદમાં નવરાત્રિ પર પોલીસ ત્રણ વાગ્યા સુધી બંદોબસ્તમાં રહેશેઃ ભારે વાહનો પર પ્રતિબંધ

2026-10-09 19:53:07
Author: Mayur Patel
અમદાવાદમાં નવરાત્રિ પર પોલીસ ત્રણ વાગ્યા સુધી બંદોબસ્તમાં રહેશેઃ ભારે વાહનો પર પ્રતિબંધ

અમદાવાદઃ  નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વ્યાપક અને સઘન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગરબાના રંગમાં રંગાયેલા નાગરિકો મોડી રાત્રે સરળતાથી અને સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો અને ગરબા સ્થળો પર રાત્રે 3 વાગ્યા સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ભારે વાહનોના પ્રવેશ સમયમાં મોટો ફેરફાર કરાયો છે.

ગરબા પૂરા થયા બાદ શહેરમાં મોડી રાત્રે વાહનોની અવરજવર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એસ. જી. હાઇવે તેમજ એસ.પી. રિંગ રોડના તમામ મુખ્ય જંકશનો પર વિશેષ તૈનાતી રહેશે. ખાસ કરીને કર્ણાવતી ક્લબ, વાય.એમ.સી.એ., ઉજાલા સર્કલ, ઓગણજ સર્કલ, સોલા ભાગવત, સિંધુભવન રોડ, વૈષ્ણોદેવી સર્કલ, શીલજ સર્કલ અને પેલેડિયમ મોલ જંકશન જેવા અત્યંત વ્યસ્ત પોઇન્ટ્સ પર રાત્રે 3 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે રહેશે. આ વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ફરજના સમયમાં  3 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

સામાન્ય દિવસોમાં શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અમલી હોય છે. જોકે, નવરાત્રિ પર્વને અનુલક્ષીને આગામી 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન રાત્રે 10 વાગ્યાને બદલે રાત્રે 2 વાગ્યા સુધી ટ્રક, ડમ્પર અને લક્ઝરી બસો જેવા તમામ ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.  
 
આ ઉપરાંત એસ. જી. હાઇવે પર વાય.એમ.સી.એ.થી કર્ણાવતી ક્લબ તરફનો બંધ કરાયેલો 1.5 કિમીનો સર્વિસ રોડ  પ્રથમ નોરતે જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાશે. જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે. તેમજ મોટા ગરબા સ્થળો અને મુખ્ય માર્ગોની આસપાસ વાહનોના ગેરકાયદે અને અવ્યવસ્થિત પાર્કિંગ સામે પોલીસે ઝુંબેશ ચલાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તાઓ પર ટ્રાફિક અવરોધાય તે રીતે આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા ટોઇંગ તેમજ દંડ સહિતની કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.