મુંબઈઃ ગત બીજી ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 12.952 અબજ ડૉલરના ઘટાડા સાથે 734.606 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. અગાઉ આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 18.343 અબજ ડૉલરના ઘટાડા સાથે 747.557 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
નોંધનીય બાબત એ છે કે ગત ચોથી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને રિઝર્વ બૅન્કની ડિપોઝીટ માટે સ્પેશિયલ ક્નસેશનલ સ્વેપ સ્કીમ હેઠળ 133 અબજ ડૉલરનો આંતરપ્રવાહ રહેતાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધીને 785.706 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હતી. જોકે, ત્યાર બાદ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે સમયાંતરે રિઝર્વ બૅન્કની ડૉલરમાં વેચવાલી રહેતાં અનામતમાં ક્રમશઃ ઘટાડો થતો રહ્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 10.664 અબજ ડૉલરના ઘટાડા સાથે 604.747 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાય યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટેને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 2.288 અબજ ડૉલર ઘટીને 106.413 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 1.5 કરોડ ડૉલર ઘટીને 4.789 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 1.5 કરોડ ડૉલર વધીને 18.656 અબજ ડૉલરના સ્તરે રહ્યા હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર