જામનગર: ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કડક અમલીકરણના ભાગરૂપે જામનગર જિલ્લામાં માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
બાળકીને પ્રતાડિત કરનાર કુટુંબી મામો
આ કેસની વિગત મુજબ વર્ષ 2025ના જામનગર જિલ્લાના સિક્કા ખાતે 8 વર્ષની માસૂમ બાળકીને આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ આપી, પ્રતાડિત કરી, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપી, લોખંડના દસ્તા-ધોકા વડે માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી નિર્મમ હત્યા કરવાનો અત્યંત ધૃણાસ્પદ બનાવ બન્યો હતો. આ બનાવમાં બાળકીને પ્રતાડિત કરનાર કુટુંબી મામો હતો.
Jamnagar Crime | 7 વર્ષની માસૂમ પર દુષ્કર્મ કરનાર સગા મામાને ફાંસીની સજા!| Crime News #jamnagarnews #SikkaCase #pocsonews #justiceforminor #courtverdict #gujaratnews #crimenews #breakingnews #JamnagarCourt #capitalpunishment https://t.co/xZ7Bu1JJko
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 9, 2026
માત્ર 35 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી
આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ હતો. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નીતિન ડોસાજી માણેક (રહે. સિક્કા, જામનગર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર 35 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
કુલ 23 સાહેદો અને 95 જેટલા દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત
પોક્સો કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા કુલ 23 સાહેદો અને 95 જેટલા દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આરોપી નીતિન ડોસાજી માણેકને ખૂનના ગુનામાં ફાંસીની સજા (મૃત્યુદંડ), પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ તથા ₹50,000/- નો દંડ ફટકાર્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.