પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં બિલ્ડરનું કારમાં અપહરણ કર્યા બાદ બંદૂકની ધાકે 10 લાખ રૂપિયા તથા સોનાના દાગીના લૂંટવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 2 ઑક્ટોબરે બની હતી. મુખ્ય આરોપી રોહિત સુભાષ જાંગિડે (27) 2 ઑક્ટોબરે બિલ્ડરને કૉલ કરીને તેની ક્ધસ્ટ્રક્શન સાઇટ પર વ્યાવસાયિક દુકાન ખરીદવાની હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું અને સોદાને બહાને બિલ્ડરને નાલાસોપારા પૂર્વમાં હોટેલમાં બોલાવ્યો હતો.
બિલ્ડર ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેમણે તેનું કાળા રંગની હ્યુન્ડાઇ ક્રેટા એસયુવીમાં અપહરણ કર્યું હતું અને બંદૂકની ધાક દાખવી તેની પાસેના 10 લાખ રૂપિયા તથા સોનાના દાગીના લૂંટી લીધા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.આ ઘટના બાદ બિલ્ડરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન ક્રાઇમ ડિટેક્શન સેલ-3 (વિરાર)ના અધિકારીઓએ 4 ઑક્ટોબરે ગુનામાં સામેલ રોહિત જાંગિડ અને તેના સાથીદાર શિવકુમાર ગુપ્તા ઉર્ફે મોનુ (21)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી પાસેથી 10 લાખ રૂપિયા અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હોવાનુંં અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
AI