(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવે પર વધતી ભીડ અને લોકલ ટ્રેનોની અવરજવરમાં પડતી અડચણો ઘટાડવા માટે રેલવે પ્રશાસને લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાની યોજના તૈયાર કરી છે. બોરીવલી, અંધેરી અને વિરાર સ્ટેશન પર ચાર નવા પ્લેટફોર્મ બનાવવામાં આવશે. પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનનું કામ પૂર્ણ થયા બાદ વિરાર સુધી 30થી 40 વધારાની લોકલ સેવાઓ શરૂ કરવાનો માર્ગ મોકળો થવાની શક્યતા છે.
યોજના મુજબ, બોરીવલી સ્ટેશન પર બે નવા પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જ્યારે અંધેરી અને વિરારમાં એક-એક પ્લેટફોર્મ બનશે. બોરીવલીમાં એક પ્લેટફોર્મ બોરીવલી-વિરાર વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટ હેઠળ બનશે. બીજું પ્લેટફોર્મ હાર્બર લાઈનના વિસ્તરણ માટે સ્ટેશનની દક્ષિણ બાજુએ બનાવવામાં આવશે. બંને પ્લેટફોર્મની લંબાઈ આશરે 330 મીટર અને પહોળાઈ સાત મીટર રાખવાની રેલવેની યોજના છે.
પાંચમી અને છઠ્ઠી લાઈન શરૂ થયા બાદ ઉપનગરીય લોકલ અને લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન અલગ રીતે કરી શકાશે. તેનાથી ટ્રેનોના માર્ગમાં આવતી અડચણો ઘટાડવામાં અને લોકલ સેવાઓની સંખ્યા વધારવામાં મદદ મળવાની અપેક્ષા છે. જોકે, કામ પૂર્ણ થયા બાદ સંચાલનની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને વધારાની લોકલ સેવાઓનું આયોજન કરવામાં આવશે.
અંધેરી સ્ટેશન પર દરરોજ આશરે 4.5 લાખ મુસાફરોની અવરજવર થાય છે અને એક હજારથી વધુ ઉપનગરીય ટ્રેનોની અવરજવર રહે છે. અહીં ભીડ ઘટાડવા માટે બે તબક્કામાં વિસ્તરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચને દક્ષિણ તરફ લંબાવવાનું કામ શરૂ થયું છે. પ્લેટફોર્મ નંબર છ અને સાતને પણ દક્ષિણ તરફ 20 મીટર અને ઉત્તર તરફ 10 મીટર લંબાવવાની યોજના છે. આ બદલાવની સાથે જ સિગ્નલ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવશે
બીજા તબક્કામાં અંધેરી સ્ટેશન પર છઠ્ઠી લાઈનની બાજુમાં ઉત્તર તરફ 12 કોચ માટેનું એક નવું હોમ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ પ્લેટફોર્મને કારણે ટ્રેનમાંથી બંને તરફના દરવાજાઓમાંથી બહાર નીકળી શકાશે. હાલમાં પ્લેટફોર્મ નંબર નવ પર આવતા મુસાફરોને મુખ્યત્વે ફૂટઓવર બ્રિજ અને સાંકડા દાદરાઓનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ધસારાના સમયે ભારે ભીડ સર્જાય છે. નવા પ્લેટફોર્મથી અંધેરી પૂર્વ તરફ બહાર નીકળવું સરળ બનવાની અને ફૂટ ઓવરબ્રિજ પરનું દબાણ ઘટવાની અપેક્ષા છે.
બોરીવલી, અંધેરી અને વિરારના પ્લેટફોર્મ વિસ્તરણની સાથે પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ પૂર્ણ થયા બાદ પશ્ચિમ રેલવેની લોકલ સેવાઓની ક્ષમતા વધારવાની તક મળશે. આ યોજનાથી વિરાર સુધી 30થી 40 વધારાની લોકલ સેવાઓ શરૂ થઈ શકે છે, જોકે તેની શરૂઆત કામ પૂર્ણ થયા પછીના સંચાલન ઉપર નિર્ભર રહેશે.