Fri Oct 09 2026

Logo

CNG સ્ટેશનના કર્મચારીઓનો અનોખો વિરોધ: પગારવધારો અને લાંબા કલાકોથી નારાજ થઈ ઉતાર્યા યુનિફોર્મ

2026-10-09 19:30:00
Author: Mumbai Samachar Team
CNG સ્ટેશનના કર્મચારીઓનો અનોખો વિરોધ: પગારવધારો અને લાંબા કલાકોથી નારાજ થઈ ઉતાર્યા યુનિફોર્મ

Chat GPT Generated Image


મુંબઈ: મહાનગર ગેસ લિમિટેડના મુંબઈ મહાનગર ક્ષેત્રમાં આવેલા સીએનજી સ્ટેશનો પર કામ કરતા કર્મચારીઓએ પગારવધારો ન મળવા, લાંબા કામના કલાકો અને છેલ્લા બે વર્ષથી યુનિફોર્મ ન અપાયાની ફરિયાદ સાથે અનોખો વિરોધ શરૂ કર્યો છે. કર્મચારીઓએ વિરોધના ભાગરૂપે યુનિફોર્મ પહેરવાનું બંધ કરી દીધું છે. આંદોલન બુધવારથી શરૂ થયું હતું, જે સીએનજીના ભાવમાં વધારો કર્યાના થોડા દિવસો બાદ શરૂ થયું છે.

મહારાષ્ટ્ર કામગાર વિકાસ સંગઠનના નેતૃત્વમાં ચાલી રહેલા આ વિરોધ અંગે સંગઠનના પ્રમુખ વિકાસ સાવંતે જણાવ્યું હતું કે કર્મચારીઓ પોતાની સમસ્યાઓ તરફ મેનેજમેન્ટનું ધ્યાન દોરવા માટે યુનિફોર્મ પહેરવાનું ટાળી રહ્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અંગે મેનેજમેન્ટે યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી.

કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ઘણા કર્મચારીઓ લાંબી શિફ્ટમાં કામ કરી રહ્યા છે. તેમની માંગણીઓમાં પગારવધારો, કામના કલાકો નક્કી કરવા, વધારાના કામ માટે ઓવરટાઇમ, પૂરતો સ્ટાફ અને સુરક્ષા સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે. 
યુનિફોર્મની અછત પણ તેમના વિરોધનું એક મુખ્ય કારણ છે. સંગઠનના પ્રમુખ વિકાસ સાવંતે ચેતવણી આપી છે કે જો મેનેજમેન્ટ કર્મચારીઓની ફરિયાદો પર ધ્યાન નહીં આપે તો તેઓ કામ સંપૂર્ણપણે બંધ કરવા જેવા કડક પગલાં લેવા મજબૂર થશે. 

હાલ કર્મચારીઓ યુનિફોર્મ વિના કામ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. મહાનગર ગેસ લિમિટેડ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી પૂરું પાડે છે. આ પુરવઠાનો ઉપયોગ ઓટોરિક્ષા, ટેક્સી, બસો, ટેમ્પો અને ટ્રક સહિતનાં વાહનોમાં થાય છે. જો કર્મચારીઓ કામ બંધ કરે તો સીએનજીના પુરવઠા પર અસર થવાની અને વાહનચાલકોને મુશ્કેલી પડવાની શક્યતા છે. 
કર્મચારીઓએ મેનેજમેન્ટને તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે. બીજી તરફ, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો વિરોધ વધુ ઉગ્ર બની શકે છે અને તેની અસર સીએનજી પુરવઠા પર પડી શકે છે.