Fri Oct 09 2026

Logo

સરકાર જેન ઝીથી ડરે છે: CJPનો કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર, દેશમાં ઈમરજન્સી જેવા હાલ

2026-10-09 19:57:00
Author: Mumbai Samachar Team
સરકાર જેન ઝીથી ડરે છે: CJPનો કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર, દેશમાં ઈમરજન્સી જેવા હાલ

નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટીએ શનિવારે એક મહાઆંદોલનનું એલાન કરી દીધું છે. નવી દિલ્હીમાં આ મહાઆંદોલન થવાનું છે. જ્ઞાનેશકુમારના રાજીનામાને લઈ પહેલા કોંગ્રેસ અને હવે કોક્રોચ જનતા પાર્ટી મેદાને ઊતરી છે. આ વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પોલીસે કોઈ જ પ્રકારની મંજૂરી આપી નથી. શનિવારે સવારથી જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરશે એવું કોક્રોચ જનતા પાર્ટીનું કહેવું છે. અભિજીત દીપકેએ કહ્યું હતું કે, CJPના કાર્યકર્તાઓ શનિવારે જંતરમંતર પર વિરોધ પ્રદર્શનની યોજના પર કાર્યકર્તાઓ અડગ છે. કેન્દ્ર સરકાર પર શાબ્દિક વાર કરતા CJPએ કહ્યું હતું કે, સરકાર જેન-ઝીથી ડરી ગઈ છે. 

દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ

દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. આ વિરોધ પ્રદર્શન શરૂ થાય એ પહેલા જ શુક્રવારે સવારથી જ નવી દિલ્હીના કેટલાય વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હતા. યુદ્ધના ધોરણે પોલીસ ટીમને મેદાને ઊતારી દેવામાં આવી હતી. જે તે વિસ્તારમાં પોલીસની વધારાની ટીમને પણ ડ્યૂટી સોંપી દેવામાં આવી હતી.

કોક્રોચ જનતા પાર્ટીએ પોસ્ટર જાહેર કરીને વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી છે. શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હીના જંતરમંતર પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા સમર્થકો એકઠા થવાના છે. આ માટે દિલ્હીના યુવાનોને પણ દીપકેએ અપીલ કરી દીધી છે. અભિજીત દીપકેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શન કરતા લોકોને રોકવા માટે લોકાની અવરજવર વાળા વિસ્તારમાં પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. દીપકેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જેન-ઝીથી ડરી રહી છે. દીપકેએ પોતાની વાત આગળ કરતા ઉમેર્યું કે, તમે જો યુવાનોથી આટલા ડરી રહ્યા હોવ તો સમગ્ર દેશ જ બંધ કરી દો. 

તા.10 ઑક્ટોબરના રોજ સવારે 4 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધી નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દિન રેલવે સ્ટેશન પર આવનારી અનેક સુપરફાસ્ટ ટ્રેન તથા એક્સપ્રેસને પણ રદ્દ કરવાના મુદ્દાની ટીકા કરી છે. 

દિલ્હીના 57 મેટ્રો સ્ટેશન બંધ

કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો સરકાર ઈચ્છે તો મને પકડી શકે છે. CJPના સૌરવ દાસે જણાવ્યું હતું કે, હાલમાં સ્થિતિ ઈમરજન્સી જેવી છે. દાસે દેશની હાલની સ્થિતિની તુલના ઈમરજન્સી સાથે કરી દીધી હતી. દાસે દાવા સાથે કહ્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓને પોલીસે પકડી લીધા છે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓને નજરકેદ કરી દીધા છે. પણ તમે કોઈ ભ્રમમાં ન રહેતા, ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. દિલ્હીને સુરક્ષિત કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્ય વિસ્તારો જ્યાંથી વિરોધ પ્રદર્શનમાં યુવાનો જોડાઈ શકે છે એ તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.  

દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શનને ધ્યાને લઈ દિલ્હીના 57 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાશે. યમુના વિહારથી લઈને જનપથ સુધીના મેટ્રો રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. સેન્ટ્રલ દિલ્હી, નવી દિલ્હી, જુની દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વી દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના અનેક એવા મોટા સ્ટેશનને બંધ કરી દેવાશે.