Fri Oct 09 2026

Logo

શ્રમિકોનું ‘ગાંવ ચલો’ આંદોલન: સુરતમાં ટેક્સટાઈલ્સ મજૂરોના પલાયન પર કેન્દ્રીય મંત્રીનું 'મૌન' ચર્ચામાં...

2026-10-09 18:02:03
Author: Mumbai Samachar Team
શ્રમિકોનું ‘ગાંવ ચલો’ આંદોલન: સુરતમાં ટેક્સટાઈલ્સ મજૂરોના પલાયન પર કેન્દ્રીય મંત્રીનું 'મૌન' ચર્ચામાં...

સુરતઃ ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોએ સુરતથી 'ગાંવચલો આંદોલન' શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં સુરતમાં ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો હવે વતન તરફ વળી રહ્યા છે. આ માટે ટ્રેનમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને તેઓ પોતાના વતનમાં જઈ રહ્યા છે. આ તમામ શ્રમિકોની મુખ્ય માગ છે કે અઠવાડિયામાં એકવાર સાપ્તાહિક રજા આપવામાં આવે. જે રજા ન મળતા શોષણના આક્ષેપ સાથે શ્રમિકો વતનમાં પરત ફરી રહ્યા છે. શ્રમિકાના આ પ્રકારના અભિયાન તથા પલાયનના હાલતની નોંધ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે લીધી છે. ગિરિરાજ સિંહ હાલમાં કેન્દ્રમાં કાપડ મંત્રી છે.

મંત્રીનું મૌન બન્યું ચર્ચાનો વિષય
સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેમને પૂછવામાં આવેલા આ વિષયના મુદ્દા પર તેઓ જવાબ આપી શક્યા ન હતા. કોઈ સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેઓ માત્ર દિલાસો આપીને મૌન રહી ગયા હતા. આ સિવાય તેમણે સુફિયાણી વાતો જ કરી હતી. મોટાભાગના સવાલો સામે તેઓ એક જ મંત્રનું પુનરાવર્તન કરતા હતા કે, આગળ વાત કરીશ ત્યારે બધા પ્રશ્નોના જવાબ આપી શકીશ. હકીકતમાં એમને ગ્રાઉન્ડ લેવલ પર બનેલી સ્થિતિ અંગે ખાસ અંદાજો હોવા છતા કહેવા માટે કોઈ મુદ્દો ન હતો.

સુરતનો કાપડ ઉદ્યોગ દેશ-વિદેશમાં જાણીતો છે. આ ઉદ્યોગની કરોડરજ્જૂ સમાન આ શ્રમિકો છે. આ શ્રમિકોમાં મોટાભાગના શ્રમિક ઉત્તર પ્રદેશ અને બિહારના છે. મોટી સંખ્યામાં શ્રમિકો વતન બાજુ ડગ ભરવા ઉદ્યોગ માલિકો માટે આ પડકારથી કમ નથી. કામના ચોક્કસ કલાકો અને અઠવાડિયાની રજાની માગ માલિકો નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં કામ ઠપ થવાની ભીતિ છે. આનાથી કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં મસમોટી બ્રેક લાગી જાય આવે એંધાણ વર્તાય રહ્યા છે. 

મંત્રીએ કહ્યું ઉત્પાદનના ભાવ નથી વધ્યા
કેન્દ્રીય મંત્રીની સુરત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કાપડ ઈન્ડસ્ટ્રીમાંથી જ શ્રમિકો પોતાની પાયાની માગને લઈ રીસાઈ ગયા છે. વતન બાજુ જવાનો નિર્ણય કરી ચૂક્યા છે. હકીકત એ પણ છે કે, દેશમાં સતત અને સખત રીતે વધેલી મોંઘવારી વચ્ચે ગરીબ-મધ્યમવર્ગ આવા શોષણથી પીસાઈ રહ્યો છે. આમ છતા ટેક્સટાઈલ્સ ક્ષેત્રે માલિકો મંદીના ગીત આલાપી રહ્યા છે. આવી હકીકત સામે કેન્દ્રીય મંત્રીએ મિડલઈસ્ટમાં ચાલી રહેલી લડાઈનો હવાલો નાંખી દીધો. મંત્રીએ કહ્યું કે, ખાડીમાં યુદ્ધા કારણે આખી દુનિયા પર આની આડઅસર થઈ છે. પણ દેશમાં ઉત્પાદનોના ભાવ વધ્યા નથી. હવે એમની આ વાતે નવી ચર્ચાને જન્મ આપી દીધો છે.  

શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા અને 12 કલાકની ડ્યુટી કરાવવા અંગે કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, 'અમે સામ્યવાદીઓ (કોમ્યુનિસ્ટો)ની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધમાં નથી. ઉદ્યોગના માલિકો અને શ્રમિક બંને એક જ સિક્કાની બે બાજુ છે. આ મિલ માલિક મજૂરને પોતાનો પરિવાર માને અને શ્રમિક મિલ માલિકને પોતાનો પરિવાર માને, આ જ સંબંધથી સારો વહીવટ ચાલશે.'

શ્રમિકોએ બાંધ્યા બિસ્તરા-પોટલા
જ્યારે મંત્રીને કેટલાક ટેક્સટાઈલ્સ ઉદ્યોગને તાળા લાગવા સંબંધિત સવાલ પૂછવામાં આવ્યા પણ આ મુદ્દાનો જવાબ મંત્રી આપી શક્યા નહીં. હકીકત એ પણ છે કે, સુરતના ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને ખાસ કરીને ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાંથી આશરે 10 લાખથી વધારે શ્રમિકો નોકરી છોડીને ગામડે જવા માટે બિસ્તરા-પોટલા બાંધી રહ્યા છે. સમગ્ર આંદોલન એ સમયે ઉગ્ર બન્યું જ્યારે તહેવારના ટાર્ગેટ પૂરા થયા એ પહેલા શ્રમિકોએ હાથ ઊંચા કરી લીધા. આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે. એ પહેલા કેટલાક ઓર્ડર પર કામ ઉદ્યોગોએ લઈ લીધા હોય છે. એવા કેસમાં જ્યારે શ્રમિકો જ નથી તો કામનો કે માલનો ઓર્ડર કેવી રીતે પૂરો થશે એ અંગે ઉદ્યોગ માલિકોને ચિંતા છે. બીજી તરફ કોઈ પણ ભોગે શ્રમિકોની માગને સ્વીકારવી પડે એ અંગે ઉદ્યોગ માલિકોનો સમુહ ચર્ચા કરી રહ્યો છે.