Fri Oct 09 2026

Logo

દિવંગત રતન ટાટાના પેટ ડોગ 'ગોવા'ને નડ્યો અકસ્માત, બોમ્બે હાઉસ નજીક બની ઘટના

2026-10-09 17:37:35
Author: Mumbai Samachar Team
દિવંગત રતન ટાટાના પેટ ડોગ 'ગોવા'ને નડ્યો અકસ્માત, બોમ્બે હાઉસ નજીક બની ઘટના

મુંબઈ: દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના લાડકો શ્વાન ‘ગોવા’ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બોમ્બે હાઉસની બહાર કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. ગુરુવારે બનેલી આ ઘટના રતન ટાટાની બીજી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ પૂર્વે બની હતી. અકસ્માત બાદ ગોવાને બોમ્બે હાઉસની અંદર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી. સાંજ સુધીમાં તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ ટાટા ગ્રૂપના અધ્યક્ષ નોએલ ટાટા પણ ગોવાની ખબર લેવા બોમ્બે હાઉસ પહોંચ્યા હતા. ગોવાના ઘાયલ પંજાને સ્પર્શ કરવામાં આવતા તે કણસતો હતો, જોકે સાંજ સુધીમાં તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. અકસ્માતની ઘટનાથી રતન ટાટા સાથે જોડાયેલા આ શ્વાનની ચિંતા કરનારા લોકોમાં પણ તેની તબિયત અંગે રસ જાગ્યો છે.

ગોવા આગામી રવિવાર, 11 ઓક્ટોબરે મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં કેવળ સ્થિત અવર લેડી ઑફ હેલ્થ ચર્ચમાં યોજાનારા ‘બ્લેસિંગ ઑફ પેટ્સ’ સમારોહમાં ભાગ લેવાનો છે. ચર્ચના પાદરી ફાધર જોસેફ ડિસોઝાએ જણાવ્યું હતું કે ગોવા સ્વસ્થ થઈ રહ્યો છે અને તેમને આશા છે કે તે નક્કી કરાયેલા કાર્યક્રમમાં હાજરી આપી શકશે.

આ ઘટના રતન ટાટાની બીજી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ બની છે. ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબર 2024ના 86 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. ઉદ્યોગજગતમાં તેમના યોગદાન ઉપરાંત પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ લોકોના મનમાં ખાસ સ્થાન ધરાવે છે. ગોવા સાથેનો તેમનો સંબંધ આ લાગણીની યાદ અપાવે છે.