(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી કોપર સહિતની ધાતુઓની આયાત પડતરોમાં વધારો થવાને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે એકંદરે પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં સાંકડી વધઘટ થઈ હોવાના નિર્દેશો હતા. તેમજ આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે સાર્વત્રિક સ્તરેથી કામકાજો છૂટાછવાયા રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આજે એક માત્ર ટીનમાં સતત ત્રીજા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 83નું ગાબડું પડ્યું હતું.
આ સિવાય નિરસ માગે નિકલ અને કોપર કેબલ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. બેનો અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે છૂટીછવાઈ માગને ટેકે લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. બેનો અને ઝિન્ક સ્લેબ તથા કોપર વાયરબારમાં કિલોદીઠ રૂ. એકનો સુધારો આવ્યો હતો અને અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની સતત ત્રીજા સત્રમાં આક્રમક વેચવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 83ના ઘટાડા સાથે રૂ. 5250ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ત્રણ સત્રમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. 125નો ઘટાડો આવી ગયો છે. વધુમાં આજે સ્ટોકિસ્ટોની વેચવાલી સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં કોપર કેબલ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1412 અને રૂ. 1560 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. 343ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 197 અને કોપર વાયરબાર તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે અનુક્રમે રૂ. 1487 અને રૂ. 436ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય ધાતુઓમાં છૂટાછવાયા કામકાજો રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.