અમદાવાદઃ કેન્દ્રના ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે અહીં બ્રિક્સ દેશોના ઍથ્લીટોના સમાવેશવાળા અનોખા રમતોત્સવ (GAMES)નું ઉદ્ઘાટન કરશે જેમાં 11 દેશની પરંપરાગત તથા દેશી રમતોના તેમ જ સાંસ્કૃતિક પ્રથાના સુંદર પ્રદર્શનો જોવા મળશે.
બ્રિક્સ (BRICS) નામ ખાસ કરીને પાંચ દેશ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા)ના અંગે્રજી નામના પ્રથમ અક્ષરને જોડીને બન્યું છે. 12-13 ઑક્ટોબરે યોજાનારા અમદાવાદના આ રમતોત્સવમાં પાંચ મુખ્ય દેશ ઉપરાંત બ્રિક્સ સાથે સંકળાયેલા બેલારુસ, બોલિવિયા, ઇથોપિયા, ઇરાન, કઝાખસ્તાન અને યુએઇના ઍથ્લીટો પણ ભાગ લેશે.
`બ્રિક્સ ટ્રેડિશનલ ઍન્ડ ઇન્ડિજિનસ સ્પોર્ટ્સ ડેમોસ્ટ્રેશન ગેમ્સ 2026' તરીકે ઓળખાનારો આ સૌપ્રથમ રમતોત્સવ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં યોજાશે. એમાં ભારત તરફથી યોગાસન, મલ્લખંભ તથા કલારીપયાટ્ટુ (દેશી માર્શલ આર્ટ અને દેશી શારીરિક ઉપચારક પદ્ધતિ આધારિત રમત)ના ખેલ રજૂ કરવામાં આવશે. એ ઉપરાંત, બાકીના દેશો પોતપોતાની પરંપરાગત અને દેશી ખેલ પદ્ધતિઓની શાનદાર ઝલક આપશે.
આ રમતોત્સવ સ્પર્ધાત્મક નહીં, પણ બ્રિક્સ દેશો પોતાની પરંપરા અને સંસ્કૃતિથી દુનિયાને વાકેફ કરી શકે એ હેતુથી આયોજિત કરવામાં આવશે.