Sat Oct 10 2026

Logo

એફડીએનો સપાટો: જે.જે હૉસ્પિટલની કેન્ટીન સહીત દસ ફૂડ સ્ટોલ, રેસ્ટોરાંના લાયસન્સ સસ્પેન્ડ...

2026-10-10 17:41:00
Author: Mumbai Samachar Team
એફડીએનો સપાટો: જે.જે હૉસ્પિટલની કેન્ટીન સહીત દસ ફૂડ સ્ટોલ, રેસ્ટોરાંના લાયસન્સ સસ્પેન્ડ...

AI (પ્રતીકાત્મક તસવીર)


મુંબઈ: મુંબઈમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના કથિત ઉલ્લંઘન બદલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ 10 ખાદ્ય એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ કાર્યવાહી હેઠળ ભાઈખલાની જે.જે હોસ્પિટલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરની વિવિધ રેસ્ટોરાં, કેટરર્સ, ડેરી એકમો અને અન્ય ખાદ્ય પદાર્થો વેચતી દુકાનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેજે હોસ્પિટલ નજીક આવેલી અબરાર કિરાણા સ્ટોર સામે પણ પગલાં લેવામાં આવ્યાં છે.  

એફડીએ દ્વારા 9 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય એકમોમાં અનેક ખામીઓ જોવા મળી હતી. તેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)નું લાઈસન્સ યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોવું અથવા તેને નિયમો મુજબ સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત ન કરવું જેવી ગંભીર બેદરકારીઓનો સમાવેશ થાય છે. ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા એકમો માટે જરૂરી લાઇસન્સ અને નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો તૈયાર કરતા કર્મચારીઓ પણ જરૂરી સ્વચ્છતાના નિયમોનું પાલન કરતા ન હોવાનું સામે આવ્યું હતું. કેટલાક કર્મચારીઓ હાથમાં ગ્લોવ્ઝ પહેરતા નહોતા, જ્યારે માથા પર પહેરવાની ટોપી અને એપ્રનનો પણ યોગ્ય ઉપયોગ થતો ન હોવાનું નોંધાયું હતું. આ ઉપરાંત કર્મચારીઓનાં જરૂરી તબીબી પ્રમાણપત્રો ઉપલબ્ધ નહોતાં. ખાદ્ય સુરક્ષા અંગેની ફરજિયાત તાલીમ લેવામાં આવી હોવાના રેકોર્ડ પણ કેટલાક એકમોમાં ગેરહાજર હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

એફડીએના નિરીક્ષકોએ ખાદ્ય એકમોની આંતરિક સ્વચ્છતા અંગે પણ ગંભીર ખામીઓ નોંધી હતી. કેટલીક જગ્યાએ દિવાલો, છત અને ફ્લોર ગંદાં તથા ક્ષતિગ્રસ્ત હાલતમાં હતાં. આ ઉપરાંત ઉંદર, વંદા અને માખી જેવી જીવાતોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો. ખાદ્ય પદાર્થો તૈયાર કરવા અને સંગ્રહ કરવા માટે સ્વચ્છ વાતાવરણ જાળવવાની આવશ્યકતા હોવા છતાં આવી સ્થિતિ જોવા મળતાં ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન સામે સવાલો ઊભા થયા છે.

તપાસમાં ખાદ્ય પદાર્થોને યોગ્ય તાપમાને રાખવા માટે જરૂરી રેફ્રિજરેશનની વ્યવસ્થામાં પણ ખામીઓ હોવાનું સામે આવ્યું હતું. કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખવાના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાનું પણ નોંધાયું હતું. ખાદ્ય પદાર્થોનો યોગ્ય સંગ્રહ ન થવાથી તેમની ગુણવત્તા અને સુરક્ષા પર અસર પડી શકે છે. તેથી આવા નિયમોનું પાલન ગ્રાહકોના આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાય છે.