Sat Oct 10 2026

Logo

શેરબજારને નામે 75 વર્ષની મહિલાના 76 લાખ પડાવનાર બેંક મેનેજરની ધરપકડ

2026-10-10 16:39:50
Author: Mumbai Samachar Team
શેરબજારને નામે 75 વર્ષની મહિલાના 76 લાખ પડાવનાર બેંક મેનેજરની ધરપકડ

મુંબઈ: શેરબજારમાં રોકાણ કરાવી આકર્ષક વળતર આપવાની લાલચ આપીને 85 વર્ષની વૃદ્ધા સાથે 76.50 લાખની છેતરપિંડી કરવાના આરોપમાં પોલીસે પૂર્વ બેંક મેનેજર જય મુકેશ મહેતાની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા છ મહિનાથી ફરાર હતો. આ કેસમાં તેની પત્ની સુનિતા મહેતા, પિતા મુકેશ મહેતા, માતા અને ભાઈ હજુ ફરાર હોવાનું એમએચબી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. 

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી વૃદ્ધા બોરીવલીની આઈસી કોલોનીમાં રહે છે. તેમના પતિનું વર્ષ 2007માં કેન્સરને કારણે અવસાન થયું હતું. વર્ષ 2018માં તેમને બેંકમાંથી કેવાયસીની બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરવા અંગે ફોન આવ્યો હતો. ત્યારબાદ તેઓ બેંકમાં ગયાં હતાં, જ્યાં તેમની મુલાકાત જય મહેતા સાથે થઈ હતી. તે સમયે જય મહેતા બેંક મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. 

જય મહેતાએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેની પત્ની સુનિતા મહેતા પણ અન્ય એક બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે અને બંનેને શેરબજારમાં રોકાણનો સારો અનુભવ છે. તેણે દાવો કર્યો હતો કે તેઓ અનેક લોકોને શેરબજારમાં રોકાણ કરાવી સારું વળતર અપાવી ચૂક્યાં છે. નવેમ્બર 2018માં વૃદ્ધા પોતાના પુત્રને પૈસા ટ્રાન્સફર કરવા બેંકમાં ગયાં ત્યારે મહેતાએ તેમને વ્યવહારમાં મદદ કરી હતી અને ફરી એકવાર શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. જોકે, તે સમયે વૃદ્ધાએ તેની સલાહને અવગણી હતી.

ઓગસ્ટ 2021માં જય મહેતા તેની પત્ની સુનિતા સાથે વૃદ્ધાના ઘરે પહોંચ્યો હતો. અહીં તેણે ફરીથી શેરબજારમાં રોકાણ કરવા માટે તેમને મનાવ્યાં હતાં. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે શેરના ભાવ ઘટવાની શક્યતા હોવાનું જણાવી તેણે આ સમય રોકાણ માટે યોગ્ય હોવાની વાત કરી હતી. સાથે જ આકર્ષક વળતર આપવાની લાલચ આપી હતી. તેના પર વિશ્વાસ રાખીને વૃદ્ધાએ સપ્ટેમ્બર 2021થી જુલાઈ 2023 દરમિયાન શેરબજારમાં રોકાણ કરવાના નામે કુલ 76.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ફરિયાદ મુજબ, જાન્યુઆરી 2022થી માર્ચ 2024 દરમિયાન વૃદ્ધાને કુલ 19 લાખ રૂપિયાનું વળતર મળવાનું હતું. જોકે, આરોપીએ માત્ર 5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીના 14 લાખ રૂપિયા પોતાની પાસે રાખી લીધા હતા. વૃદ્ધાએ પોતાના પૈસા પરત માગતાં આરોપીએ છ મહિનાની અંદર સમગ્ર રકમ પરત કરવાની ખાતરી આપી હતી. પરંતુ તેણે ન તો વચન મુજબ પૈસા પરત કર્યા કે ન તો વૃદ્ધાની રકમનો હિસાબ આપ્યો હતો.

ત્યારબાદ મહેતા પરિવાર મીરા રોડ પરના પોતાના નિવાસસ્થાનમાંથી ઘર ખાલી કરીને ગાયબ થઈ ગયો હતો. વૃદ્ધાએ પોલીસનો સંપર્ક કર્યા બાદ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ આ જ રીત અપનાવીને અન્ય લોકોને પણ છેતર્યા હોવાની આશંકા છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે વૃદ્ધા પાસેથી શેરબજારમાં રોકાણના નામે મેળવવામાં આવેલી 76.50 લાખ રૂપિયાની રકમ વાસ્તવમાં આરોપીઓનાં બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 

આ મામલે પોલીસે જય મહેતા, તેની પત્ની, પિતા, માતા અને ભાઈ વિરુદ્ધ કાવતરું રચીને નાણાંનો ગેરઉપયોગ કરવા તથા છેતરપિંડી કરવાના આરોપસર ગુનો નોંધ્યો હતો. છ મહિનાથી ફરાર રહેલા જય મહેતાની આખરે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેની પત્ની સહિત પરિવારના અન્ય ચાર સભ્યોની શોધખોળ ચાલુ છે. પોલીસે આ કેસમાં અન્ય કોઈ લોકો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.