Sat Oct 10 2026

Logo

અમિતાભ બચ્ચનને દિલ્હી હાઇકોર્ટનું તેડું, ચાર વર્ષ જૂના પર્સનાલિટી રાઇટ્સ કેસની સુનાવણી

2026-10-10 16:25:09
Author: Mumbai Samachar Team
અમિતાભ બચ્ચનને દિલ્હી હાઇકોર્ટનું તેડું, ચાર વર્ષ જૂના પર્સનાલિટી રાઇટ્સ કેસની સુનાવણી

મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી હાઈકોર્ટે તેમના પર્સનાલિટી રાઈટ્સ એટલે કે વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ સાથે જોડાયેલા ચાર વર્ષ જૂના કેસમાં મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કેટલાક પ્રતિવાદીઓ સાથે સમાધાનની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય અને અમિતાભ બચ્ચન પોતાનો કેસ આગળ ચલાવવા માગતા હશે, તો તેમણે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવું પડશે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ આદેશ આપ્યો હતો.

અદાલતમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે મધ્યસ્થી દ્વારા કેટલાક પ્રતિવાદીઓ સાથે સૌહાર્દપૂર્ણ સમાધાન થઈ ગયું છે, પરંતુ સમાધાનના કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર થઈ શક્યા નથી. અમિતાભ બચ્ચન તરફથી હાજર રહેલા વકીલ ધ્રુવ આનંદે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અને સમાધાનનો કરાર અદાલતના રેકોર્ડ પર મૂકવા માટે વધુ સમય માગ્યો હતો. અદાલતે આ વિનંતીને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની મંજૂરી આપી છે.

16 નવેમ્બરે થશે આગામી સુનાવણી 

દિલ્હી હાઇકોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 16 નવેમ્બર, 2026ની તારીખ નક્કી કરી છે. અદાલતે જણાવ્યું છે કે જો ત્યાં સુધીમાં સમાધાન નહીં થાય અથવા સમાધાનની પ્રક્રિયા અધૂરી રહેશે, તો કેસમાં બાકી રહેલા દાવા અને મુદ્દાઓને આગળ વધારવા ઈચ્છતા અમિતાભ બચ્ચને વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે. આ હાજરી દ્વારા અદાલત સિવિલ પ્રોસિજર કોડ, 1908 ના ઓર્ડર 'X રૂલ 2' અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023ની કલમ 168 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરી શકશે.

શું છે સમગ્ર મામલો?

અમિતાભ બચ્ચને વર્ષ 2022માં પોતાના નામ, તસવીર, અવાજ અને ઓળખના અનધિકૃત વ્યાવસાયિક ઉપયોગ સામે રક્ષણ મેળવવા માટે આ કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદ મુજબ, કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ તેમની લોકપ્રિયતાનો લાભ લઈને તેમની મંજૂરી વિના પોતાના ઉત્પાદનો અને સેવાઓનું પ્રચાર-પ્રસાર કરી રહી હતી. ખાસ કરીને, કેટલીક મોબાઈલ એપ્લિકેશનના સંચાલકો તેમના લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) સાથે ગેરકાયદેસર રીતે જોડાણ દર્શાવી લોટરી જેવી પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોર્ટે આપ્યો અંતિમ આદેશ 

આ ઉપરાંત, 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટે તેમને વચગાળાની રાહત આપતાં એકપક્ષીય વચગાળાનો મનાઈહુકમ જારી કર્યો હતો. પર્સનાલિટી રાઇટ્સ હેઠળ કોઈ જાણીતી વ્યક્તિના નામ, ચહેરા, અવાજ, હસ્તાક્ષર અને અન્ય ઓળખસૂચક લક્ષણોનો વ્યાવસાયિક લાભ માટે તેની મંજૂરી વિના ઉપયોગ થતો અટકાવવાનો હેતુ છે. અમિતાભ બચ્ચનના કેસમાં પણ તેમની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને અન્ય લોકો પોતાનો વ્યવસાય આગળ વધારતા હોવાનો મુદ્દો મુખ્ય છે.