રાંચીઃ શુક્રવારે પાંચ મૅચવાળી શ્રેણીની બીજી ટી-20માં સંજુ સૅમસન, તિલક વર્મા, ઇશાન કિશન તથા શ્રેયસ ઐયરની ધમાકેદાર બૅટિંગ પછી ફાસ્ટ બોલર મયંક યાદવે ત્રણ વિકેટનો જે તરખાટ મચાવ્યો એમ છતાં વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન-વિકેટકીપર શાઇ હોપે વિક્રમજનક અણનમ સેન્ચુરીથી બાજી ફેરવી નાખી અને ભારતને પરાજય તરફ ધકેલ્યું ત્યાર બાદ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે મૅચ વિશે બોધરૂપ ટિપ્પણી કરી હતી. તેમણે મયંક યાદવની ટીકા કરી અને પછી એક મુદ્દે તેની તરફેણ પણ કરી હતી.
સૅમસનના 82 રન, તિલકના અણનમ 44 રન, કિશનના 43 રન અને શ્રેયસના 40 રનની મદદથી ભારતે પાંચ વિકેટે 249 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે શાઇ હોપના અણનમ 102 રન, શેરફેન રુધરફર્ડના 84 રન અને રોમારિયો શેફર્ડના અણનમ 34 રન સાથે 18.3 ઓવરમાં ચાર વિકેટે 252 રન બનાવ્યા અને સિરીઝમાં 1-1થી સરસાઈ કરી લીધી હતી. હોપ, રુધરફર્ડ અને શેફર્ડે 200.00-પ્લસના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા.
રુધરફર્ડે ખરા સમયે હોપ સાથે ચોથી વિકેટ માટે 29 બૉલમાં 63 રનની ભાગીદારી કરી હતી. 10મી ઓવર ચાઇનામૅન સ્પિનર કુલદીપ યાદવે કરી હતી જેમાં તેનો એક બૉલ રુધરફર્ડ શૉર્ટ ફાઇન લેગ પરથી બાઉન્ડરી લાઇન તરફ મોકલવા માગતો હતો. જોકે તેણે ભૂલમાં બૉલને સીધો મયંક યાદવ તરફ મોકલી દીધો હતો જેણે આસાન કૅચ છોડી દીધો હતો. કૉમેન્ટરી બૉક્સમાંથી ગાવસકરે ટકોર સાથે કહ્યું, `કૅચ ઝીલતી વખતે શરીરનું સંતુલન ગુમાવો તો સહેલો કૅચ છૂટી જ જાયને. સંતુલન જાળવી રાખો. નીચે પડી જવાની જરૂર નથી. ગમેએમ કરીને કૅચ પકડી લેવાય એ સૌથી વધુ મહત્ત્વનું છે. દરેક વખતે કૅચ ઝીલતી વખતે પડવું જરૂરી નથી.'
મયંકથી કૅચ છૂટ્યો ત્યારે રુધરફર્ડ 39 રન પર હતો. રુધરફર્ડે લગભગ પાંચ ઓવર સુધી હોપને સાથ આપ્યો હતો અને 37 બૉલમાં બનેલા 84મા રને કુલદીપના જ બૉલમાં વિકેટ ગુમાવી હતી. તેણે સાત છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
મયંક યાદવની ગાવસકર (Gavaskar)એ એક બાબતમાં તરફેણ કરી હતી. તેણે ત્રણ ઓવરમાં 36 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી. જોકે ટીમને જરૂર હતી ત્યારે કૅપ્ટન શ્રેયસે તેને ચોથી ઓવર આપી જ નહોતી. 12મી ઓવર અક્ષર પટેલે કરી હતી જેમાં 12 રન બન્યા હતા અને ઓવરને અંતે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 4/199 હતો અને તેમણે જીતવા 24 બૉલમાં 51 રન બનાવવાના બાકી હતા.
🚨😱 MAYANK YADAV DROPS AN EASY CATCH OF SHERFANE RUTHERFORD! 🇮🇳💔 🏏 Rutherford gets a BIG LIFELINE off Kuldeep Yadav's bowling! 🔥 COULD THIS DROPPED CATCH COST TEAM INDIA DEARLY? 👀 #MayankYadav #SherfaneRutherford #INDvsWI Image Credit: Jiostar https://t.co/jLM2swHLv1
— CricInformer (@CricInformer) October 9, 2026
17મી ઓવર બન્ને ટીમ માટે નિર્ણાયક બનવાની હતી. શ્રેયસે એ ઓવર રાઇટ-આર્મ ફાસ્ટ બોલર મયંક (Mayank)ને કે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આપવાને બદલે કુલદીપને આપી હતી જેમાં હોપ-શેફર્ડે છગ્ગા-ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં ત્રણ સિક્સર અને એક ફોર તથા એક વાઇડ બદલ કુલ 24 રન બન્યા હતા અને એ મોંઘી ઓવર ભારતને ભારે પડી હતી.
ગાવસકરે કહ્યું, `17મી ઓવર મયંક અથવા અર્શદીપને આપવી જોઈતી હતી. મયંકે શરૂઆતમાં ત્રણ ઝટકા આપ્યા હતા એટલે તેને તેની છેલ્લી આપવી જ જોઈતી હતી. તેણે જો એ ઓવરમાં હોપ અથવા રુધરફર્ડની વિકેટ લીધી હોત તો કૅરિબિયનો જબરદસ્ત માનસિક દબાણમાં આવી ગયા હોત અને બાજી ભારતની ફેવરમાં આવી ગઈ હોત. મને લાગે છે કે એ પહેલાં નવમી ઓવર શિવમ દુબેને બદલે કુલદીપને આપવી જોઈતી હતી.'