જૂનાગઢ: જૂનાગઢમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે વ્યાજખોરી વિરુદ્ધના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ રેન્જ ડીઆઈજી દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ 15 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવી હતી, જેના ભાગરૂપે જૂનાગઢ શહેરના નાગરિકો માટે આ લોક દરબાર યોજાયો હતો.
આ લોક દરબારમાં જૂનાગઢ પોલીસ અધિક્ષક, જૂનાગઢ શહેરના ડેપ્યુટી મેયર, વાલ્મીકી સમાજના પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરીના કારણે સમાજ અને પરિવારને થતા આર્થિક તેમજ માનસિક નુકસાન અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
લોકોની રજૂઆતો સાંભળવા માટે સિટી વિસ્તારના તમામ સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હાલ પોલીસ સમક્ષ વ્યાજખોરી અંગે 7 જેટલી અરજીઓ અને રજૂઆતો પ્રાપ્ત થઈ છે. આ મામલે વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી તેમજ જરૂર જણાયે તાત્કાલિક એફઆઈઆર નોંધીને કડક પગલાં લેવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રતાપ ભરાડ
જૂનાગઢ