Sat Oct 10 2026

Logo

CJPના વિરોધ પ્રદર્શન પર ભાજપનો પ્રહાર, ‘દેશ સંસદથી ચાલશે, રસ્તા પરથી નહીં’...

2026-10-10 18:54:04
Author: Mumbai Samachar Team
CJPના વિરોધ પ્રદર્શન પર ભાજપનો પ્રહાર, ‘દેશ સંસદથી ચાલશે, રસ્તા પરથી નહીં’...

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ આમ આદમી પાર્ટી પર નિશાન તાંકી દીધું છે. ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે ભાજપ કાર્યાલયમાંથી એક પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી. નેતાએ જણાવ્યું હતું કે, ભાજપ કોઈ વિરોધ પ્રદર્શનની વિરૂદ્ધમાં નથી. પણ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવું એ રાજકીય હથિયાર બની રહ્યું છએ. કોક્રોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શનના માધ્યમથી આમ આદમી પાર્ટીને રાજકીય ફાયદો પહોંચાડવા પ્રયાસ કરી રહી છે. 

વિરોધ પ્રદર્શનનો વિરોધ નથી
કોક્રોચ જનતા પાર્ટી ચૂંટણીપંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગને લઈ વિરોધ પ્રદર્શન કરી રહી છે. CJPના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ સમગ્ર એજન્ડા પહેલા જ દિલ્હી પોલીસે સુરક્ષા બંદોબસ્ત ખૂબ જ કડડ કરીને સ્થિતિ સંભાળી હતી. દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શન અંગેનું પ્લાનિંગ કરાયું હતું. સમર્થકો અને કાર્યકર્તાઓ આવે એ પહેલા જ દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા છાવણીમાં ફેરવી દીધું હતું.


આ વિરોધ પ્રદર્શનની સામે રવિશંકર પ્રસાદે કેટલાક સવાલ ઊઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ જઈને CJIને વિપક્ષી નેતાઓ અંગે કહ્યું હતું કે, જો ચૂંટણીપંચના કેટલાક પરિણામો પર વાંધો હોય તો તેઓ કોર્ટમાં અરજી કરી શકે છે. અમને ચૂંટણીમાં હરાવી દો પણ વારંવાર પ્રજા દ્વારા રિજેક્ટ કરાયેલા કેટલાક લોકો સુપ્રીમ કોર્ટ દ્વારા PIL દાખલ કરી દેશને ચલાવી ન શકે. 

રાજકીય સંદેશનો પ્રયાસ
રવિશંકર પ્રસાદે કહ્યું કે, વિરોધ પ્રદર્શન સવારે શરૂ થયં હતું. પછી અરવિંદ કેજરીવાલ તથા અન્ય નેતા પહોંચ્યા. પછી મમતા બેનર્જી પણ ત્યાં આવ્યા. CPI અને CPMના નેતાઓનો ઉલ્લેખ કરતા સાંસદે આરોપ લગાવ્યો હતો કે, અલગ અલગ પક્ષના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ માધ્યમથી રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણથી ચાર દિવસ સુધી લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ભાજપ વિરોધ પ્રદર્શનના અધિકારની વિરૂદ્ધમાં નથી પણ રસ્તા પર ઊતરીને વિરોધ કરવો એ રાજકીય હથિયાર બની રહ્યું છે. જે યોગ્ય નથી. શેડો બોક્સિંગ શબ્દનો પ્રયોગ કરતા સાંસદે આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો. આનો અર્થ એ થાય છે કે, કોઈ એવા વિરોધમાં લડવું જેમાં અસલી ટાર્ગેટ બીજો જ હોય. આ પરિષદમાં સાંસદે એ પણ સ્પષ્ટતા કરી કે, વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જીત બાદ EVM પર સવાલ ઊઠ્યા છે. 

રાજકીય રંગ આપી દીધો
હવે SIR ને લઈ વિવાદ થઈ રહ્યો છે. દેશમાં 9થી વધારે વખત SIR થઈ ચૂક્યા છે. આ અંગેની સ્પષ્ટતા કાયદામાં પણ છે. જે મતદાતાઓનું મૃત્યુ થયું છે તેઓ પોતાના જે તે વિસ્તારમાં રહેતા નથી અથવા નામ એકથી વધારે જગ્યાએ નોંધાયેલા છે. હવે આવા લોકોએ મતદાતાની યાદીમાં નામ કાયમ કરવું જોઈએ? તપાસમાં કુલ 2.89 કરોડ મતદાતાઓના મૃત્યુ થયાની યાદી છે. 6.3 કરોડ વિસ્થાપિત મતદાતા એક કરોડ એવા મતદાતા જેના નામ રિપીટ છે. અન્ય 3 કરોડ મતદાતાઓની યાદી પણ તૈયાર છે.  

આ આંકડા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં જાહેર કરી દીધા. ખોટી રીતે નામ ગાયબ થયા હશે તો એને ફરીથી યાદીમાં જોડવા માટેની પણ એક પ્રક્રિયા છે. ભાજપનો એક એવો તર્ક છે કે, ચૂંટણી સંબંધિત વિવાદનો હલ કાઢવા માટે કાયદો છે. આ માટેની એક પ્રક્રિયા છે. દેશના નિર્ણયો સંસદમાંથી થાય છે. રસ્તા પરથી નહીં. આ રીતે ભાજપે સમગ્ર વિરોધ પ્રદર્શનને રાજકીય રંગ આપી દીધો હતો.